- બીલીમોરા નગરપાલિકા પ્રીમિયર લીગ સિઝન 1 નું આયોજન
- નગરસેવકો, પાલિકાકર્મીઓ અને ભાજપીઓ વચ્ચે રમાઇ હતી મેચ
- મેચ અને ઇનામ વિતરણ સમયે કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન
નવસારી: વિવાદોનું બીજું ઘર એટલે બીલીમોરા નગરપાલિકા. ભ્રષ્ટાચાર હોય કે પછી ગોબાચરી આવા મુદ્દાઓ નવસારી જિલ્લાની બીલીમોરા પાલિકામાં જાણે સામાન્ય અને રોજિંદા થઈ ગયા હોય એવું લાગી રહ્યુ છે. ત્યારે હાલ સત્તાધીશો પદાધિકારીઓ અને ભાજપા સંગઠનના ત્રિવેણી સંગમે કોવિડ 19ના નીતિ નિયમોના ધજાગરા ઉડાવી ક્રિકેટ મેચ રમતા પાલિકા ફરી વિવાદોમાં આવી છે.
બીલીમોરા પાલિકાએ પત્રિકા છપાવી યોજી ક્રિકેટ પ્રીમિયર લીગ
કોરોના કાળમાં છૂટછાટ મળ્યા બાદ પ્રજાને મોઢે માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સ ન જળવાઇ તો આકરા દંડનો સામનો કરવો પડે છે. પરંતુ રાજકીય પક્ષોના જાહેર કાર્યક્રમોમાં છડેચોક કોરોનાની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાવવામાં આવે છે, પણ તંત્રના અધિકારી કે પોલીસ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. એ જ પ્રકારે નવસારીની બીલીમોરા નગર પાલિકાના સત્તાધીશો, પાલિકા કર્મચારીઓ અને ભાજપ સંગઠનના પદાધિકારીઓની ટીમો વચ્ચે બીલીમોરા પાલિકા પ્રીમિયર લીગ સિઝન 1 નું આયોજન કરાયુ હતુ.
કોરોના ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન જોવા મળ્યુ
જેમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા તો ઉડ્યા જ પણ પાલિકાના સત્તાધીશો, કર્મચારીઓ અને ભાજપીઓએ મોઢે માસ્ક પહેરવાનું પણ યોગ્ય ન સમજ્યુ. જેથી ભાજપ સરકારની વેકસિનની જાહેરાત થતા જ જાણે કોરોના ભાગી ગયો હોય, એમ ભાજપના લોકો ક્રિકેટ મેચ અને ઇનામ વિતરણ સમારોહમાં જોવા મળ્યા હતા. મોઢે માસ્ક વિનાના અને સોશ્યલ ડીસ્ટનસિંગના ધજાગરા ઉડ્યાના ફોટો-વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાલિકાના પ્રમુખ વિપુલાબેન અને ચીફ ઓફિસર વિનય ડામોરે જવાબદારી છોડી ઊંચા હાથ કરી દીધા હતા. જયારે આમંત્રણ પત્રિકામાં બીલીમોરા પાલિકા આયોજિત મેચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમ છતાં સત્તાધીશો સને અધિકારીઓએ મીડિયા સમક્ષ લુલો બચાવ કર્યો હતો. ત્યારે સમગ્ર ક્રિકેટ મેચમાં જવાબદર ધારાસભ્ય સહિત નગરસેવકો અને ભાજપના નેતાઓ હાજર હતા, તેમના વિરુદ્ધ પોલીસ પોતે ફરિયાદી બની કાર્યવાહી કરશે કે પછી રાજકીય દબાણમાં મામલો ડાબી દેવાશે એ જોવું રહ્યુ.