- નવસારીમાં સવારથી વાદળછાયું વાતાવરણ ખેડૂતો ચિંતિત
- કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ
- નવસારીમાં 3 દિવસોથી તાપમાનનો પારો 38 ડિગ્રી પર પહોચ્યો
નવસારી: જિલ્લામાં કોરોનાએ સામાજિક જનજીવન પ્રભાવિત થયું છે. ત્યાં, કુદરતી વાતાવરણમાં પણ બુધવારે પલટો જોવા મળ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ સાથે આકરો તાપ રહ્યો હતો અને બપોર બાદ જિલ્લાના પૂર્વ વિસ્તારના ગામડાઓમાં કમોસમી વરસાદ થતા ઠંડક પ્રસરી હતી. જોકે, કમોસમી વરસાદથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે.
આ પણ વાંચો: ભાવનગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ, કેરીના પાકને નુકસાનની ભીતિ
નવસારીમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો
નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસોથી તાપમાનનો પારો 38 ડિગ્રીની આસપાસ પર પહોચ્યો હતો. જેને કારણે, સૂર્યદેવતા આકાશમાંથી અગન ગોળા વરસાવતા હોય એવી સ્થિતિ સર્જાઈ હતી. આ બાદ, બપોરના સમયે સ્વયંભૂ લોકડાઉનની સ્થિતિ બની હતી. જોકે, બુધવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ પણ જોવા મળ્યું હતુ. આથી, બપોર બાદ જિલ્લાના દક્ષિણ-પૂર્વ વિસ્તાર ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ગામડાઓમાં કાળાડિબાંગ વાદળો છવાયા હતા. સાથે સાથે, કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વાદળછાયુ વાતાવરણ અને કમોસમી વરસાદને લઇ જિલ્લાના બાગાયતી પાકો લેતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. ખાસ કરીને, ફળોના રાજા કેરી આવવાની તૈયારી થઇ છે. ત્યારે, કમોસમી વરસાદ આંબાવાડીઓમાં રોગો ઉત્પન્ન કરે એવી ભીતી સેવાઈ રહી છે. જેની સાથે જ ડાંગર અને શાકભાજીના પાકો લેતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.
આ પણ વાંચો: સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણથી જગતનો તાત ચિંતિત