વાસદાઃ કુદરતના ખોળે વસેલું વાસદા તાલુકાનું ખોબા જેટલુ ઝરી ગામ નર્સરી ઉદ્યોગને કારણે જાણીતું થઈ રહ્યું છે. જ્યાં કોઈ ઉદ્યોગના એકમ નહીં પણ મહિલાઓ નર્સરી ચલાવી રહી છે. જ્યાં તુલસીથી લઈને સુશોભન સુધીના તમામ છોડવા સરળતાથી પ્રાપ્ય થાય છે. અંદાજિત 3500 ની વસ્તી ધરાવતા આ ગામની 1200 જેટલી મહિલાઓએ નર્સરી અંગે વિચાર કરીને આ બિઝનેસ શરૂ કર્યો છે. જેનાથી સમગ્ર ગુજરાત અને રાજ્યની બહાર ઝરી ગામને નવી ઓળખ મળી છે. જે હવે ગુજરાતનું રોજગાર આપતું ગામ બનવા તરફ જઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ Unseasonal Rain: અચાનક આવેલા વરસાદે રૌદ્ર સ્વરૂપ લીધુ, અનેક વૃક્ષો જમીનદોસ્ત
આ રીતે શરૂઆત થઈઃ ઝરી ગામ આદિવાસી વિસ્તાર હોવાથી અહીંના વિસ્તારમાં ડાંગર શેરડી અને કેરી જેવા પાકની ખેતી કરી ગુજરાત ચલાવતા હોય છે. ગામના જ વતની અરૂણભાઇ છગનભાઈ પટેલે વર્ષ 2004 માં ઘર આંગણે આ નર્સરી ઉદ્યોગની શરૂઆત કરી હતી. વખત જતા તેમના પત્ની ઉર્મિલાબેન પટેલને આ નર્સરી ઉદ્યોગમાં રસ પડ્યો. પછી એમને પણ મદદ કરવાનું શરૂ કર્યું. સમય જતા એમાં ફાવટ આવી ગઈ. પછી ઉદ્યોગ પોતાના હસ્તક લઈ વેપાર વિસ્તાર કર્યો. શરૂઆતમાં તેઓ અલગ અલગ જાતના ગુલાબ અને ઇન્ડોર પ્લાન્ટના રોપાઓ 4 બાય 8 ની બેગમાં તૈયાર કરી વેચવાની શરૂઆત કરી.
આસપાસમાંથી લોકો આવ્યાઃ પ્રથમ આસપાસના વિસ્તારના લોકો પોતાના ઘરે મૂકવા માટે અહીં રોપા લેવા માટે આવતા થયા. થોડા સમયમાં આ રોપાઓનું વેચાણ વધતા મોટા વેપારીઓ પણ મોટી સંખ્યામાં રોપા લેવા માટે આવતા થયા. પછી અન્ય શહેરો કે જિલ્લામાં વેચવા જવાની જરૂર પડી જ નહીં. કારણ કે વેપારીઓ પોતે જ ગામમાં આવતા થયા. ઘર આંગણે શરૂ થયેલા આ ઉદ્યોગને ગામની અન્ય મહિલાઓએ પણ અપનાવી લીધો. આજે 1200 થી વધુ મહિલાઓ આ ઉદ્યોગ સાથે જોડાઈ ચૂકી છે અને સારી એવી કમાણી કરી રહી છે. આ ઉદ્યોગને કારણે ગામમાં રોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે.
સ્થળાંતર નથી કરવાનુંઃ સામાન્ય મજૂરી કરતા પરિવાર ને પણ રોજગાર માટે પોતાના ગામ છોડીને અન્ય જગ્યાએ જવું પડતું નથી. કારણ કે તેઓને પોતાના ગામમાં અને ઘર આંગણે જ રોજગાર મળી રહે છે. તૈયાર થતા રોપાની ડિમાન્ડ અન્ય રાજ્યોમાં ઝડપથી વધી રહી છે. રોપામાં ફ્લાવરિંગ, રોડ સાઈડ, સીઝનલ ,ઇન્ડોર પ્લાન્ટ, આયુર્વેદિક પ્લાન્ટ ,બોર્ડર પ્લાન્ટ ,બોન્સાઈ પ્લાન્ટ, પામ પ્લાન્ટ આ તમામ રોપાઓ 4 સાઈઝ પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. જેમાં નાની મોટી સાઈઝની સાઈઝની બેગમાં તૈયાર કરવામાં આવે છે. બેગમાં વેરાઈટી પ્રમાણે 6 રૂપિયા થી 15 રૂપિયા સુધીનો ભાવ હોય છે. જે બેગ અનુસાર લેવામાં આવે છે.
આ પણ વાંચોઃ Modi surname defamation case: માનહાનિ કેસમાં સજા વિરુદ્ધ રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં જશે
કેવા છોડની માંગઃ રાજ્યો અને જિલ્લામાંથી આવતા વેપારીઓ ફ્લાવરિંગ અને બોર્ડર પ્લાન્ટના રોપાઓ વધુ વેચાણ અર્થે લઈ જાય છે. આ નર્સરી ઉદ્યોગ ગુજરાતથી અન્ય રાજ્યોમાં મોટા પાયે વિસ્તરી ચૂક્યો છે. જૂન-જુલાઈના મહિનામાં અહીં મોટા પ્રમાણમાં રોપા તૈયાર કરવામાં આવે છે.આ સમય દરમિયાન વરસાદી માહોલ હોવાથી પાણી પુરતા પ્રમાણમાં મળી રહેતું હોય છે. ડિસેમ્બર-જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સીઝનલ ફૂલમાં ગ્લેડિયેટર, ગુલાબ, સેવંતી, ગલગોટા, ઝરબેરાના ફૂલોની ખેતી કરવામાં આવે છે. જેની ડિમાન્ડ લગ્ન પ્રસંગોમાં ખૂબ હોય છે. આ સીઝનલ ફૂલોની ખેતી કરી મહિલાઓ સારી આવક મેળવી રહી છે.
શું કહે છે મહિલાઓઃ ઉર્મિલાબેને જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને ઘણી તકલીફ પડી હતી. પરંતુ અમારા વ્યાપારની લોકોને જેમ જેમ ખબર પડી તેમ લોકો અમારા રોપાવોને વધુ પસંદ કરવા લાગ્યા. સમગ્ર ગુજરાતમાંથી લોકો અમારા રોપા લેવા માટે આવે છે. અમને જોઈને ગામની અન્ય મહિલાઓએ પણ આ ઉદ્યોગ સાથે જોડાઈ છે. સારી આવક મેળવી રહી જેનો અમને ગર્વ છે.