નવસારી: વિજલપુર નગરપાલિકા દ્વારા 20 લાખ રૂપિયાના ખર્ચે ઉનાળામાં રાહદારીઓને પાણીની તરસતૃપ્તિ માટે સસ્તા દરે ઠંડુ પાણી મળી રહે તે હેતુ થી ઠંડા પાણીના પાંચ એટીએમ અલગ અલગ વોર્ડમાં મૂકવામાં આવેલા હતા. તે વોટર એટીએમ જાળવણીના અભાવે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.
તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચ્યું: ઉનાળાની વિધિવત રીતે શરૂઆત થઈ ગઈ છે. ત્યારે હાલમાં નવસારી શહેરનું તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચ્યું છે. ત્યારે આવી કાળજાળ ગરમીમાં માણસોને પીવાનાં પાણીની સખત જરૂરિયાત પડતી હોય છે. ગયા વર્ષ 2022 મે મહિનામાં ઠંડા પીવાના પાણી અલગ અલગ વોર્ડમાં 20 લાખ રૂપિયાના ખર્ચે 5 વોટર ATM મૂક્યા હતા. જેમાં શહેરના વોર્ડ નંબર 13 માં બે વોટર એટીએમ, ચાંદની ચોક,વિજલપુરના વિઠ્ઠલ મંદિર પાસે, દશેરા ટેકરીમાં સરસ્વતી માતાજી મંદિર પાસે ,જલાલપુરમાં લીમડા ચોક પાસે, અને કબીલપુરમાં જોનલ કચેરી નજીક જોગીવાડમાં વોટર એટીએમ મૂક્યા હતા. પરંતુ પાલિકાના મેન્ટેનન્સના અભાવને કારણે આ વોટર એટીએમ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે.
આ પણ વાંચો Navsari Accident: નવસારી શહેરની મધ્યમાં થયો અકસ્માત, યુવાનનું ઘટના સ્થળે મોત
ઘણીવાર મૌખિક: અમારા બોર્ડમાં પણ આ વોટર એટીએમ મૂકવામાં આવ્યું છે. જે બિલકુલ કાર્યરત નથી તેથી અમે વોટર વર્ક્સ વિભાગના અધિકારીઓને ઘણીવાર મૌખિક રીતે કહ્યું છે. પરંતુ અમારી સમસ્યાને તેઓ ધ્યાને લેતા નથી અમે અનેક વાર રજૂઆતો કરી છે. તેમ છતાં પણ આ જાડી ચામડીના અધિકારીઓ કોઈનું સાંભળતા નથી એવી ફરિયાદ કરી રહ્યા છે--નગરસેવક વિજયભાઇ
વિપક્ષનો આક્ષેપ: તો બીજી તરફ વિપક્ષે પણ આક્ષેપ કર્યો છે. પાલિકા દ્વારા પ્રજાના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો નથી. પાણીના એટીએમ મૂકવા છતાં પણ પાલિકા લોકોને પાણી પૂરું પાડી શકી નથી. તેથી તાત્કાલિક આ વોટર એટીએમમાં પાણીની સગવડ ઊભી કરવામાં આવે અને લોકોને આનો ફાયદો થાય તેવા પ્રયાસો તાત્કાલિક કરવા જોઈએ એવી માંગ કરી છે. જો આ સુવિધા લોકોને આપવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો Navsari Crime: એવું ચોરખાનું બનાવ્યું કે, પોલીસ પણ ચોંકી ગઈ 5000થી વધુ બોટલ જપ્ત
સફાળી જાગી: વીજલપોર નગરપાલિકા દ્વારા 20 લાખ રૂપિયા ખર્ચીને એક રૂપિયામાં ઠંડુ પાણી આપવાની વાત કરવામાં આવી હતી. પાલિકા તે પાણી પણ લોકોને આપી શકી નથી. તમામ વોટર મશીન બંધ હાલતમાં પડ્યા છે. તેથી પાલિકા સફાળી જાગીને લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે જો પાલિકા આ જ પ્રમાણે ઢીલી નીતિ કરશે. તો અમે જિલ્લા કલેકટર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરીશું--શહેર પ્રમુખ કોંગ્રેસના જગમલ દેસાઈ
વોટર એટીએમ ની ટાંકીમાં 24 કલાક પાણી ભરાવું જોઈએ. એ આયોજન ના અભાવે નથી ભરી શકાતું જેથી પાલિકાએ યોગ્ય યોજના બનાવી વોટર એટીએમ માં 24 કલાક પાણી ભરવાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરશે. જેથી લોકોને પીવાનું ઠંડુ પાણી ઉપલબ્ધ કરાવી શકાય--વોટર વર્ક કમિટીના ચેરમેન
પડ્યા પડ્યા ધૂળ: આ વોટર એટીએમ રસ્તે ચાલતા રાહદારીઓ અને સ્થાનિકો માટે એક રૂપિયામાં એક લીટર પાણી લઈ શકે તેવા હેતુથી આ વોટર એટીએમ મૂકવામાં આવ્યા હતા. પરંતુ આ એટીએમમાંથી પાણી નીકળતું જ નથી. તેથી આ એટીએમ નો કોઈ યુઝ ન થવાથી પડ્યા પડ્યા ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકા દ્વારા પાણીમાં નાખેલા પૈસા પાણીમાં ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે પાલિકા દ્વારા જે વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે. તેની યોગ્ય જાળવણી થતી નથી વોટર એટીએમને 24 કલાક પાણી મળવું જોઈએ. તે પણ મળતું નથી અન્યથા આ યોજના દસ મહિનામાં ખોરંભે ચડી હોય તેવું દેખાઈ રહ્યું છે.