નવસારી: સિંહ કરતા હવે ગુજરાતના લોકોને શ્વાન અને ઢોર થી ડર લાગી રહ્યો છે. કારણ કે શ્વાન અને ઢોરના કારણે લોકોના મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. રખડતા ઢોર એ ગુજરાતના દરેક શહેરનો પ્રશ્ન બની ગયો છે. રખડતા ઢોરને કારણે અનેક રાહદારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નવસારી શહેરમાં પણ રખડતા ઢોરની સમસ્યા મોટો પ્રશ્ન બનીને ઉભરી રહી છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરને કારણે શહેરના આદર્શ નગર પાસે પરીક્ષા આપવા જતા એક વિદ્યાર્થીનું જીવન જોખમમાં મુકાયુ હતુ અને યુવાનની બાઈક રખડતા ઢોર સાથે અથડાતા યુવાનનું મોત નીપજ્યું હતું. આવા કેટલાક બનાવો ઢોરની સમસ્યાના કારણે થયા છે. જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
સીસીટીવીમાં કેદ: નવસારી શહેરમાં શાકભાજી માર્કેટ જેવા ભરચક વિસ્તારમાં બનાતવાલા હાઈસ્કૂલ પાસે બે આખલા નું યુદ્ધ જામ્યું હતું. જેમાં આખલાઓ લડતા લડતા દુકાનની નજીક આવી પહોંચ્યા હતા. દુકાનમાં ઉભા રહેલા ગ્રાહકોનો આબાદ બચાવ થયો હતો. અમુક ગ્રાહકો દુકાનની બહાર ઉભા હતા તે તાત્કાલિક આખલાઓને જોઈ દોડીને દુકાનની અંદર જતા રહ્યા હતા. ત્યાંથી પસાર થતા વાહન પણ આખલા યુદ્ધને કારણે થોભી ગયા હતા. સદનસીબે કોઈને પણ આ આખલા યુદ્ધ ને કારણે જાનહાનિ થઈ ન હતી. તો બીજી તરફ દુકાન ને પણ કોઈ નુકસાન થયું ન હતું. આ આખલા યુદ્ધ રોકવા માટે દુકાનદારોએ આખલાઓ પર પાણી છાંટી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનની આગળ લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી.
આ પણ વાંચો Navsari News: કૃષિ પશુપાલન મત્સ્ય ઉદ્યોગના પ્રધાન નવસારીના ધોળાઈ બંદરની મુલાકાતે
ઢોરને પકડી પાંજરાપોળમાં: રખડતા ઢોરનું પ્રશ્ન દિવસે અને દિવસે શહેરમાં વિકટ બનતો જાય છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ઢોર પકડી પાંજરાપોળમાં મોકલી આપે છે.પરંતુ આ સમસ્યા ફરી ઉત્પન્ન થતા વાર નથી લાગતી અને શહેરીજનોના માથે રખડતા ઢોરથી અકસ્માત નો ભય માથે લટકતો રહે છે. રખડતા ઢોરો ના કારણે અનેક લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેથી નવસારી વિજલપુર નગરપાલિકા આ રખડતા ઢોરોના પ્રશ્નને કોઈ કાયમી ઉકેલ લાવે તેવી સમયની માંગ બની છે.