નવસારીઃ કોરોના મહામારીએ મંદિર-મસ્જિદ બંધ કરાવી દીધા છે. ત્યારે નવસારીના મુસ્લિમ બાહુલ્ય એવા ડાભેલ ગામમાં આવેલી મડ્રેસાઓ અને મસ્જિદોના દરવાજા પર તાળા લગાવી દેવાયા છે. મુસ્લિમ ધર્મગુરૂઓએ ઘરેથી જ નમાઝ પઢી અલ્લાહની બંદગી કરવાનું ફરમાન કર્યુ હતુ. કારણ કે,પાક રમઝાન મહિનામાં મોટી સંખ્યામાં ડાભેલમાં મુસ્લિમો અલ્લાહની બંદગી કરવા ભેગા થતા હોય છે. ત્યાં કોરોના કાળમાં ઘરેથી જ અલ્લાહની બંદગી કરી હતી.
જ્યારે આજે રમઝાન ઈદ પણ સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે ઉજવી હતી. મુસ્લિમ ધર્મગુરૂએ ઘરેથી જ ઇદની નમાઝ પઢાવી હતી. સાથે જ હિન્દુસ્તાની તહેઝીબ પ્રમાણે દુરથી નમસ્કાર કરીને સૌને ઇદની મુબારકબાદી આપી હતી.
જ્યારે મૌલાનાએ હિન્દુસ્તાન સહિત દુનિયામાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીમાં હેરાન થતા લોકો પર અલ્લાહ રહેમત વરસાવે અને કોરોના બીમારી દૂર થાય એવી પાક પરવરદિગાર પાસે દુઆ માંગી હતી.
જેમાં નવસારીના ડાભેલના આગેવાન ફકીર સોની અને તેમની ટીમ દ્વારા નવસારી, ડાંગ, સુરત જિલ્લામાં જરૂરિયાતમંદોને 5 હજારથી વધુની રાશન કીટ વહેંચી અલ્લાહની બંદગી કરી હતી. સાથે જ ઈદના પાક દિવસે કોરોના મહામારીમાં અલ્લાહ રહેમ કરે, એ માટે મૌલાનાને દુઆ કરવાની વિનંતી કરી હતી.