નવસારી : જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીંના ગામડાઓમાં આજે પણ રસોઈ બનાવવા કાચા ચૂલાનો મોટા પાયે ઉપયોગ થાય છે. જિલ્લાના ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના ગામડાઓમાં આદિવાસી મહિલાઓ જંગલ વિસ્તારમાંથી લાકડા શોધી લાવે છે, પરંતુ ચૂલામાં લાકડા સળગાવવા મહિલાઓએ પ્લાસ્ટિકની કોથળીઓ પણ શોધવી પડે છે, કારણ કે, પ્લાસ્ટિકના ઉપયોગ થકી લાકડા જલદી સળગે છે. પરંતુ ચૂલામાં પ્લાસ્ટિક સાથે સળગતા લાકડા ધુમાડો વધુ કરે છે અને તેના કારણે મહિલાઓને આંખમાં બળતરા થવા અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે આદિવાસી મહિલાઓની આ રોજિંદી સમસ્યાઓ જાણી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે તેના સમાધાનનો પ્રયાસ કર્યો છે.
ચૂલા વિના મૂલ્યે ચુલાનું વિતરણ : વાંસદાના તમામ ગામોમાં ધારાસભ્ય અને તેમની ટીમ દ્વારા આદિવાસી ગરીબ મહિલાઓને થર્મલ આધારિત ચૂલા વિના મૂલ્યે આપવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય દ્વારા અત્યાર સુધીમાં 15 હજારથી વધુ ચૂલા આપવામાં આવ્યા છે. પરંપરાગત કાચા ચૂલામાં થતા ધુમાડાથી વાંસદાની આદિવાસી મહિલાઓને છુટકારો અપાવવાનો ધારાસભ્ય એ નાનો પ્રયાસથી મહિલાની આંખોમાં ખુશી ચમકી રહી છે.
મહિલાઓમાં ખુશીની રોશની : આદિવાસી ગૃહિણીઓએ જણાવ્યું હતું કે, પારંપરિક જૂના ચૂલા પર રસોઈ કરવી અમારા માટે ઘણી જ મહેનતી અને આરોગ્યને હાનિ પહોંચાડતી હતી. કારણ કે અમારે રસોઈ કરવા માટે જંગલમાં જઈ લાકડાં શોધી લાવવા પડતા હતા. એ લાકડાનો ભારો ઊંચકીને ઘર સુધી લાવવા માટે ઘણી મહેનત લાગતી હતી. તો બીજી તરફ એ લાકડાને સળગાવવા માટે અમારે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા પડતો હતો. કારણ કે, પ્લાસ્ટિકના ઉપયોગથી લાકડાઓ જલ્દી સળગે છે. તેથી પ્લાસ્ટિક લાકડા જોડે સળગતા એનો ધુમાડો અમારા શરીરને ઘણો હાનિકારક સાબિત થતો હતો.
નિર્ધુમ ચુલો નવું જીવન લાવ્યો : આ નિર્ધુમ ચુલા ઘણી સહેલાઈથી સળગે છે અમારા સમયની બચત થાય છે. આ ચૂલામાં ધુમાડો ન થતો હોવાથી અમારું આરોગ્ય પણ સારું રહી છે અને રસોઈ બનાવવા માટેનો અમારો ઘણો સમય બચી જાય છે. જેથી અમે અમારા બીજા કામોને પણ ન્યાય આપી શકીએ છીએ. તેથી આ નિર્ધુમ ચૂલાઓ અમારા માટે નવું જીવન લાવ્યા હોય તેવું કહી શકાય છે.
આ પણ વાંચો : સુરતમાં મહિલા કોંગ્રેસે પાણીમાં ભજિયાં તળી રાંધણ ગેસના ભાવ વધારાનો કર્યો વિરોધ
ધારાસભ્યનો પ્રયાસ : ધારાસભ્ય અનંત પટેલ દ્વારા જણાવ્યું હતું કે, અમારા વિસ્તારની આદિવાસી ગૃહિણીઓ રસોઈ માટે ચૂલાનો ઉપયોગ કરતી હોય છે. એ ચુલાના લાકડાઓને સળગાવવા માટે પ્લાસ્ટિકની કોથળીઓ ઉપયોગમાં લેવાતી હોય છે, ત્યારે એનાથી થતા ધુમાડાના લીધે ગૃહિણીઓના આરોગ્ય પર અસર થતી હોય છે. એનાથી કેન્સર જેવા રોગોની ભીતિ પણ સર્જાય છે. તો બીજી તરફ બળતણ માટે જંગલમાં જઈ લાકડાં લાવવા પડે છે અથવા તો મોટા જાડો અને કાપવા પડે છે તેથી પર્યાવરણને પણ મોટું નુકસાન થતું હોવાથી અને આવી સમસ્યાઓનું નિરાકરણનો પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો : ચટપટી વાનગીનો ચસકો, સ્પર્ધામાં મહિલાઓએ જોરદાર ડીશ તૈયાર કરી
22 ગામોમાં નિર્ધુમ ચુલાનું વિતરણ : એક ખાનગી કંપની સહયોગથી વિનામૂલ્યે અમે 22 ગામોમાં નિર્ધુમ ચુલાનું વિતરણ કર્યું છે. આ ચૂલો પરંપરિત ચૂલા કરતા ઘણો સહેલાઈથી સળગે છે અને ધુમાડો પણ ઓછો થાય છે. તેમજ આ ચૂલો હીટ પણ તરત પકડી લેતો હોવાથી ગૃહિણીઓને રસોઈ બનાવવામાં સરળતા થાય છે. તો બીજી તરફ આ નિર્ધુમ ચૂલાથી પ્રકૃતિનું જતન પણ થઈ શકે છે. આ ચુલાઓને લઈને મહિલાઓના મુખ પર ખુશીની ચમક જોવા મળી રહી છે.