નવસારી : જિલ્લામાં સરકારના અલગ અલગ પ્રોજેક્ટને જેવા કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેક્ટ મહત્વના પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. આ પ્રોજેક્ટમાં ઘણા ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પાવર ગ્રીડ વીજ લાઈન ખેડૂતોના માટે ફરી માથાનો દુખાવો બની છે. કારણ કે, આ વીજ લાઈનથી પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોની ફરિયાદો છે.
શું નુકશાન : સ્થાનિકોનું માનવું છે કે, પાવર ગ્રીડ પ્રોજેક્ટ જે બે તાલુકામાંથી પસાર થવાનો છે. ગણદેવી અને જલાલપુર તાલુકો જે બંને તાલુકાઓમાં પણ ખાસ કરીને ગણદેવી તાલુકો બાગાયતી પાકોનો વિસ્તાર ગણાય છે. તેમાં શાકભાજી, ચીકુ, કેરી, જેવા પાકો ખેડૂતો દ્વારા લેવામાં આવે છે. જો આ લાઈન અહીંથી પસાર થાય તો હાઈટેન્શન વાયરના વાઇબ્રેશનને કારણે ફલીનીકરણ નહીં થાય. એનું મુખ્ય કારણ મધમાખીઓ મોટા પ્રમાણમાં આ વાઇબ્રેશનને કારણે મૃત્યુ પામશે. જેને લઈને ખેતરોમાં પરાગનયનની પ્રક્રિયા પર મોટા પ્રમાણમાં અસર થવાને લઈને ફલીનીકરણ પણ નહિ થાય. જેથી તેની સીધી અસર ખેડૂતોના પાક પર પડશે જેથી પાકની ગુણવત્તા અને પાકમાં ઘટાડો થશે. તેમજ ઓછા પાકને કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની શક્યતાઓ ઉત્પન્ન થશે.
જમીનના માલિકોને નોટિસ : પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લી. નવસારી જિલ્લાના દીપલાથી દમણ અને મહારાષ્ટ્ર સુધી 400 kv અને 765 કેવી વીજ લાઈન નાખવાની શરૂઆત કરી છે. જેમાં નવસારી જિલ્લાના બે તાલુકામાંથી વીજ લાઇન પસાર થવાની છે. જેમાં ગણદેવી તાલુકાના 16 જેટલા ગામોમાંથી 113 મીટર પહોળી જમીન સંપાદન માટે સીમાંકન ખૂટ લગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જમીન સંપાદન માટે જમીનના માલિકોને નોટિસ પણ આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, ત્યારે પોતાની અનમોલ જમીન સંપાદનમાં જતા જ ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. જેને લઈને બે તાલુકાના 52 ગામોના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
ખેડૂતોએ કરી રજૂઆત : આ તમામ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવસારી ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે આ પાવર ગ્રીડ લાઈન મુદ્દે રજૂઆત કરી હતી. નવસારીના જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા, અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ બંને લાઈનો ખેડૂતના ખેતી વિસ્તારમાંથી નહીં પણ કાઠાની ખારપાટની જમીનોમાંથી લઈ જવામાં આવે તો ખેતીને પણ નુકસાન નહીં થશે. કારણ કે આ ખારપાટની જગ્યા બિન ઉપજાવ હોય અહીંથી લાઈન જશે તો ખેડૂતોને રાહત થશે. સરકારને પણ સરળતા રહેશે અને સમગ્ર પ્રોજેક્ટ સરળતાથી પાર પડશે.
સી.આર. પાટીલે શું કર્યું : સાંસદ સી.આર. પાટીલ ખેડૂતોની આ રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોને લેખિત રજૂઆત કરવા સાથેના જરૂરી રિપોર્ટ પણ જોડવા માટે સૂચન કર્યું હતું. તો બીજી તરફ કલેક્ટરને પણ રજૂઆત અને રિપોર્ટ સાથે સરકારમાં યોગ્ય રજૂઆત કરવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો : ખેડૂતો ખુશઃહાફુસ-કેસર કેરીનો મબલખ પાક ઊતરાવાના એંધાણ, આંબાપ્રેમી આતુર
ખેડૂતોનું શું કહેવું છે : સમગ્ર મુદ્દે ખેડૂતો જણાવ્યું હતું કે, અમારો વિસ્તાર બાગાયતી વિસ્તાર હોય ટેન્શન લાઈન અમારા વિસ્તારમાંથી જો પસાર થાય તો આ લાઇનના વાઇબ્રેશનને કારણે મધમાખીઓ મોટા પ્રમાણમાં મૃત્યુ પામશે. જેને લઇને ફલીનીકરણ નહીં થાય અને તેના કારણે ખેત ઉત્પાદન ઘટી જશે. જેની સીધી અસર ખેડૂતો પણ પડતા ખેડૂતોની કમર પણ ભાંગી જશે. જેથી આ લાઈન ખરપત વિસ્તારમાંથી પસાર થાય તો ખેતીને થતું નુકસાન અટકી જશે. જેથી અમે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને આ સમગ્ર રજૂઆત કરી છે. જેઓએ આનું સુખદ નિરાકરણ આવશે એવી વાત કરી હતી.
આ પણ વાંચો : બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં બોગસ દસ્તાવેજોને આધારે વળતર મેળવનાર 3 ભેજાબાજો ઝડપાયા
જિલ્લા પ્રમુખે શું કહ્યું : નવસારી જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે, સી.આર. પાટીલે તમામ ખેડૂતોની રજૂઆત સાંભળીને ખાતરી આપી છે કે અમે બુલેટ ટ્રેન સંપાદનમાં પણ ખેડૂતોને સારામાં સારું વળતર અપાવ્યું હતું. તેમ આ તમામ ખેડૂતોને સારામાં સારી જમીનનું વળતર અપાવીશું. તો બીજી પણ કોઈ ખેડૂતોને જરૂર પડશે તો એમની પડખે ઊભા રહીશું.