નવસારી : નવસારી શહેરમાં રખડતા ઢોરનો આંતક યથાવત જોવા મળી રહ્યો છે. નવસારીના છાપરા રોડ પર બે આખલાઓનું ભારે યુદ્ધ છેડાયું હતું. બે આખલાઓના યુદ્ધને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ બાજુમાં ઊભા રહી ગયાં હતાં. આખલા યુદ્ધ ચાલ્યું ત્યાં સુધી કોઈ પણ રાહદારીએ ત્યાંથી પસાર થવાની હિંમત ન કરી. આખલા યુદ્ધને રોકવા માટે લોકોએ પાણી છાંટી અને લાકડીઓ વડે મારી છૂટા પાડવાનો પ્રયાસ કર્યો હતો
રખડતાં ઢોરની સમસ્યા : રખડતા ઢોર એ ગુજરાતના દરેક શહેરનો યક્ષ પ્રશ્ન બની ગયો છે. રખડતા ઢોરોને કારણે અનેક રાહેદારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે. નવસારી શહેરમાં પણ રખડતા ઢોરોની સમસ્યા મોટો પ્રશ્ન બનીને ઉભરી રહી છે. ભૂતકાળમાં પણ રખડતા ઢોરોને કારણે શહેરના આદર્શનગર પાસે પરીક્ષા આપવા જતા એક યુવાનની બાઈક રખડતા ઢોર સાથે અથડાતા આ યુવાનનું મોત નીપજ્યું હતું. આવા કેટલાક બનાવો ઢોરોની સમસ્યાના કારણે થયા છે. જેમાં લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો Navsari Viral Video: રખડતી રંજાડ બેફામ, રસ્તા પર થતા આખલા યુદ્ધથી રાહદારીઓ સામે જીવનું જોખમ
છાપરા રોડ વિસ્તારમાં આખલાઓનું યુદ્ધ : નવસારી શહેરની મધ્યમાં આવેલા છાપરા રોડ વિસ્તાર જે સતત ટ્રાફિકથી અને રાહદારીઓથી ધમધમતો વિસ્તાર છે. અહીં બપોરના સમયે બે આખલાઓ એકબીજા સામે આવી જતા બંને આંખલાઓ વચ્ચે ભયંકર યુદ્ધ છેડાઈ ગયું હતું. આખલાઓની લડાઈ જોઈ ત્યાંથી પસાર થતાં રાહદારીઓ પોતે આ આખલાની ઝપેટમાં ન આવી જાય તે માટે ત્યાંથી પસાર થતા તમામ રાહદારીઓએ સાઈડ પર ઉભા રહેવાનો વારો આવ્યો હતો. બંને આખલાની લડાઈ એવી ચાલી હતી કે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જે કોઈપણ રાહદારીઓએ આ આખલા યુદ્ધ જોતા તેની નજીકથી અવરજવર કરવાની હિંમત ન કરી હતી અને આ બે આખલાની લડાઈ પૂરી ના થાય ત્યાં સુધી ત્યાંથી પસાર થવાનું હતું ટાળ્યું હતું.
શાંત પાડવા પ્રયાસ : આખલાઓને લડતા છૂટા પાડવા માટે લોકોએ તેના ઉપર પાણી નાખી તેમજ લાકડીઓ વડે મારી છુટા પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ભયંકર ચાલેલા આખલા યુદ્ધનો વિડિયો કોઈક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો આખલાઓની અડફેટે આવતાં રીક્ષા પલટી, શાળાના વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા
રખડતા ઢોરોથી અકસ્માતનો ભય : રખડતા ઢોરનો પ્રશ્ન દિવસ અને દિવસે શહેરમાં વિકટ બનતો જાય છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા ઢોરોને પકડી પાંજરાપોળમાં મોકલી આપે છે. પરંતુ આ સમસ્યા ફરી ઉત્પન્ન થતા વાર નથી લાગતી અને શહેરીજનોના માથે રખડતા ઢોરોથી અકસ્માતનો ભય લટકતો રહે છે. રખડતા ઢોરોના કારણે અનેક લોકોએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. તેથી નવસારી વિજલપુર નગરપાલિકા આ રખડતા ઢોરોના પ્રશ્નને કોઈ કાયમી ઉકેલ લાવે તેવી સમયની માંગ બની છે.