2014માં નવસારી નગરપાલિકાએ શહેરના સિનેમાઘરો, હોસ્પિટલો, ઇમારતો તેમજ જોખમી વિવિધ સ્થળોએ ફાયર સેફટી છે કે નહિ તેની ખાતરી કરીને નોટિસો ફટકારી હતી. જેના પર હજી સુધી એક્શન લેવાય નથી. સુરતના સરથાણાના ટ્યુશન ક્લાસમાં બનેલ ગમખ્વાર અગ્નિકાંડમાં સ્વાહા થયેલા બાળકોને જોઈને રાજ્ય સરકાર માંથી રેલો આવતા પાલિકાકર્મીઓ 2014 બાદ ફરી હરકતમાં આવીને ફાયર સેફટી અંગે જાગૃતતાનો ઝંડો લહેરાવી રહ્યા છે.
આગ લાગ્યા બાદ કૂવો ખોદવા ટેવાયેલું તંત્ર શું નોટિસ ફટકાર્યાં બાદ ફાયરસેફટી અંગે કડક વલણ અપનાવશે ખરું ? હાલતો શાળા કોલેજ હોસ્પિટલ અને ઇમારતો મળીને કુલ 352 જેટલી નોટિસો ફટકારી છે. તેની સાથે જિલ્લામાં શિક્ષણ વિભાગે પણ ટ્યુશન ક્લાસીસમાં સપાટો બોલાવીને 53 જેટલા ક્લાસો શીલ કર્યા છે.