નવસારી: નવસારીમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 દિવસ અને દિવસે ગોઝારો સાબિત થતો જાય છે. ભૂતકાળમાં પણ કેટલાક ગંભીર અકસ્માતો થયા છે. જેને લઇને વેસ્માથી લઈને ધોળા પીપળા ગામ સુધીનો માર્ગ બ્લેક સપોર્ટ તરીકે જાહેર થયો છે. હાઇવેને અડીને આવેલા સામર ફળિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બેફામ ઝડપે દોડતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસે રસ્તો ક્રોસ કરવા માટે ઊભેલા બાઇક ચાલકને પિતા પુત્રને અડફેટે લીધા હતા. જેને લઈને મોટો અકસ્માત સર્જાયો હતો.
ઘટના સ્થળે મોત: અકસ્માતમાં બાઈક સવાર રજવાડા ગામના પૂર્વ સરપંચ પ્રકાશ ઉર્ફે ઠાકોર આહીર અને તેમના પાંચ વર્ષીય પુત્ર ક્રિશવ લક્ઝરીની ટક્કર વાગતા તેઓ બાઈક પરથી ઉછળી રસ્તા પર પટકાયા હતા. જેથી પાછળ પૂર ઝડપે આવતી કારમાં તેઓ ભેરવાયા હતા. મોટી દુર્ઘટના થઈ હતી ગંભીર ઇજાઓ પહોંચતા પૂર્વ સરપંચ પ્રકાશ ઉર્ફે ઠાકોર આહીરનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું.
મોતનો ગુનો: પાંચ વર્ષીય પુત્ર ક્રિષવ ગંભીર અવસ્થામાં પહોંચતા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જેલી લક્ઝરી બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી રફુ ચક્કર થઈ ગયો હતો. ઘટનાની જાણ ગ્રામ્ય પોલીસને થતા ગ્રામ્ય પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પૂર્વ સરપંચના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોલીસે બસ ડ્રાઈવર સામે અકસ્માત મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
તાત્કાલિક હોસ્પિટલ: સ્થાનિક મદદ માટે આવેલા અશોકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ધડાકા ભૈર લક્ઝરી સાથે બાઈક અથડાતા સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે થોડા સમય માટે હાઇવે પર સૌના જીવ થંભી ગયા હતા. અકસ્માત નો ભોગ બનેલા પૂર્વ સરપંચ પ્રકાશ ઉર્ફે ઠાકોર આહીરનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેમના પાંચ વર્ષ પુત્રને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.