અમદાવાદ : હેરિટેજ સિટી અમદાવાદ તેના જાણીતા માર્કેટ માટે વર્લ્ડ ફેમસ છે, જેમાંથી એક છે અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલ માધુપુરા મોજડી માર્કેટ. અહીં જુદા જુદા ઘાટ અને આકારની અનેક મોજડીઓ મળે છે. અહીંયા તમે તમારી મનગમતી મોજડી બનાવડાવી પણ શકો છો...
માધુપુરા મોજડી માર્કેટ : અમદાવાદના માધુપુરા મોજડી માર્કેટમાં તમને એક હજારથી વધુ પ્રકારની મોજડી જોવા અને ખરીદવા મળશે. આ બજારમાં આખા ભારતથી લોકો બૂટ, જોધપુરી ચપ્પલ અને ખાસ લગ્ન માટે મોજડી ખરીદવા માટે આવે છે. આજે મોંઘવારીના સમયમાં મોજડી પહેરવાના શોખીન લોકો ખરીદી કરવા માટે સૌથી પહેલા માધુપુરા મોજડી માર્કેટમાં જતા હોય છે.
અવનવી મોજડી માટે વન સ્પોટ ડેસ્ટીનેશન : લગ્ન પ્રસંગ હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગ હોય, કામકાજ સમય કે પછી ચાલુ દિવસ હોય, હવે કોઈપણ દિવસ માટે લોકો મોજડી પહેરવા લાગ્યા છે. માધુપુરા મોજડી માર્કેટમાં ઘણી પ્રકારની મોજડીઓ મળે છે. જેમાં ખાસ કરીને સાદી, મારવાડી, રજવાડી, રાઠોડી, જયપુરી, જોધપુરી, બિકાનેરી, પંજાબી, પઠાણી, લખનવી, લેધર, એમ્બોડરી અને ભરતકામ સહિતની એવરગ્રીન મોજડીઓ સરળતાથી મળી જાય છે.
ચામડાની મોજડી માટે શ્રેષ્ઠ વિકલ્પ : માધુપુરા મોજડી બજાર વિશે વેપારી રમેશભાઈ ગજ્જરે જણાવ્યું કે, માધવપુરા મોજડી બજાર આખા ગુજરાતમાં ફેમસ છે. અહીંયા મારવાડી મોજડી, કોલ્હાપુરી ચપ્પલ અને લેધરની ધણી વેરાઈટીની ચપ્પલ અને મોજડીઓ મળે છે. અહીંયા 30-35 દુકાનો છે. લોકો ચામડાની મોજડી લેવાનું પસંદ કરે છે, કારણ કે તેનાથી પગને રાહત મળે છે અને ચાલવામાં પણ સરળતા રહે છે. ચામડાથી પગના તળિયામાં ઠંડક રહે છે.
સો રૂપિયાથી લઈને રૂ. બે હજાર સુધીની રેન્જ : હવે ટ્રેડિશનલ ચપ્પલ અને બુટ રબર અને પ્લાસ્ટિક આવી ગયા છે, ત્યારથી લોકો ચામડાની ચપ્પલ ખરીદવામાં ઓછા રસ દાખવે છે. ચામડાની ચપ્પલ મોંઘી હોય છે એટલે પણ લોકો ઓછા ખરીદે છે. અહીંયા સો રૂપિયાથી લઈને હજાર-બે હજાર રૂપિયા સુધીની અલગ અલગ ચપ્પલ, મોજડી અને શુઝ મળે છે.
આશરે 150 વર્ષ જુનુ બજાર : મોજડી બજારના વેપારી ઈશ્વરભાઈ ડાભીએ જણાવ્યું કે, માધુપુરામાં મોજડીનો વેપાર 100-150 વર્ષથી થાય છે. અહીંયા શેરવાનીની મોજડી, બુટ, ચંપલ, સેન્ડલ જે લેડીઝ અને જેન્સ બંને માટે તમામ પ્રકારની ચપ્પલની વેરાઈટી મળે છે. નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી માટે મોજડી સારી અને સસ્તા ભાવે મળે છે.
કોલ્હાપુરી ચપ્પલની બોલબાલા : કોલ્હાપુરી ચપ્પલના વેપારી કિશોરભાઈએ જણાવ્યું હતું કે, 70 વર્ષથી ગુજરાતમાં કોલ્હાપુરી ચપ્પલનો વ્યવસાય કરું છું. માધવપુરામાં મારી કોલ્હાપુરીની દુકાન છે. અહીં દરેક પ્રકારની ઓરીજનલ કોલ્હાપુરી ચપ્પલ મળે છે. દૂરથી શોધતા શોધતા લોકો આવે છે, જેની કિંમત 350 થી શરૂ થાય છે અને 1800 રૂપિયા સુધીની આવે છે.
ગુજરાત તો શું, દેશભરના ગ્રાહકોની પસંદ
રાજસ્થાનથી આવેલા એક ગ્રાહક ગજેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું કે, મેં માધુપુરાનું ખૂબ જ નામ સાંભળ્યું હતું, એટલે અહીંયા મોજડી ખરીદવા માટે આવ્યા છીએ. એક મહિના પછી મારો લગ્ન છે, તેના માટે હું મોજડી ખરીદવા આવ્યો છું. બીજા ગ્રાહક લક્ષ્મણસિંહ રાજપૂતે જણાવ્યું કે, અમે ચાણક્યપુરીથી આવ્યા છીએ. અહીં મોજડી બહુ સરસ મળે છે એટલે હું રાજપૂતી મોજડી લેવા માટે આવ્યો છું.