- નવસારીમાં 30 ઓક્સિજન બેડ સાથેના નમો કોવિડ સેન્ટરનો પ્રારંભ
- ચીખલીમાં પણ 50-50 બેડના બે આઇસોલેશન સેન્ટરો થયા શરૂ
- કોવિડ સેન્ટરોના પ્રારંભે ભાજપ પ્રદેશ પ્રમુખ રહ્યા ઉપસ્થિત
નવસારી: સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે અને જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ 230 બેડના કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. જેથી અહીં કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવશે. ત્યારે રવિવારે જિલ્લા ભાજપના પ્રયાસોથી અને દાતાઓના સહયોગથી 100 બેડના નમો કોવિડ કેર સેન્ટરનો ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રારંભ કરાવ્યો હતો.
ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યો
નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા પ્રારંભ કરાવવામાં આવેલા નમો કોવિડ કેર સેન્ટરમાં 8 ડૉકટરો સહિતનો સ્ટાફ અને ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સાથે હવામાંથી 30 બોટલ ઓક્સિજન જનરેટ કરી શકાય, તે પ્રકારનો પ્લાન્ટ પણ પ્રારંભિક ધોરણે શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ વધુ 90 બોટલો ઉભા કરી શકાય, એ પ્રકારનો પ્લાન્ટ શરૂ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. શારદા ફાઉન્ડેશન, ચીખલી અને રોટરી ક્લબ ઓફ રિવરફ્રન્ટ દ્વારા 50-50 બેડના તથા નવસારીના પ્રભાકુંજ ફાઉન્ડેશને પણ 30 આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કર્યો છે. જેથી જિલ્લામાં 230 નવા બેડ કોરોના દર્દીઓ માટે ઊભા થયા છે. જે કોરોના દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થશે.
![નવસારીમાં 100 બેડની સુવિધા ધરાવતુ નમો કોવિડ કેર સેન્ટર શરૂ, સી. આર. પાટીલે કર્યું ઉદ્ધાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-covid-care-center-rtu-gj10031-hd_25042021152749_2504f_1619344669_679.jpg)