નવસારીઃ જિલ્લામાં કોરોના પોઝિટીવ આવેલા ૮ દર્દીઓએ કોરોનાને હરાવતા નવસારી કોરોના મુક્ત બન્યુ છે. જોકે, સરકાર દ્વારા જાહેર લોકડાઉનના ત્રીજા ચરણ સુધી બજારોમાં મોટા ભાગની દુકાનો બંધ રહેતા વેપારીઓ ચિંતામાં મુકાયા હતા. અને વહેલી તકે લોકડાઉનમાં દુકાનો ખોલવાની મંજૂરી મળે, તો આર્થિક સ્થિતિ સુધરી શકેની આશા સેવી રહ્યા હતા.
બીજી તરફ કોરોના સાથે જીવતા શીખવાની વાતો વચ્ચે ગુજરાત સરકારે અર્થતંત્રને પાટે લાવવા લોકડાઉનના ચોથા ચરણમાં આપેલી છૂટને કારણે આજે મંગળવારથી નવસારીના બજારોમાં દોઢ મહિનાઓથી બંધ દુકાનો ખુલતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. શહેરના મુખ્ય બજારોમાં ચહેલ પહેલ સાથે જ દુકાનોમાં પણ લોકો ખરીદી કરતા જોવા મળ્યા હતા. જોકે લગ્ન સીઝન પૂરી થતા વેપારીઓમાં થોડી નિરાશા પણ જોવા મળી હતી. જયારે લોકડાઉન 4માં પાન-માવા, તમાકુની દુકાનોને પણ છૂટ આપવામાં આવતા તમાકુના બંધાણીઓના જીવમાં જીવ આવ્યો છે.