નવસારી: નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકો જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમાંતર કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે ફરી એક વખત ગામમાં દીપડાએ વાછરડા પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
"અમારો વિસ્તાર જંગલ વિસ્તાર છે. તેથી વારંવાર દિપડાઓ ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી ચડતા હોય છે. જેથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. પશુ માલિકો પોતાના ઢોરોની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. જેથી વન વિભાગ દ્વારા તાત્કાલિક દિપડાને પકડી પાંજરે પૂરવામાં આવે અને આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે."-- શંકરભાઈ પટેલ (સ્થાનિક )
માનવ વસ્તી તરફ વળ્યાં: અહીંના ખેડૂતો મોટા પ્રમાણમાં શેરડીની ખેતી કરતા હોય છે. જે દીપડાઓને આશ્રય સ્થાન માટે માફક આવી ગયો છે. તો બીજી તરફ ખેતરોમાં વસતા ભૂંડો અને શેરીઓમાં રખડતા શ્વાન તેમ જ પાણી જેવી જરૂરિયાતો અહીંથી ઉપલબ્ધ થતા દીપડાઓ નવસારીના પૂર્વ પટ્ટી વિસ્તારમાં મોટી સંખ્યામાં દીપડા પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે. જેને લઈને દીપડા અને મનુષ્ય ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે. દિપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી જતા હોવાની ચર્ચા છે, અને પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે.