- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી કર્યુ ઈ-લોકાર્પણ
- શહેરમાં પ્રારંભિક ધોરણે 10 રૂટ પર 8 સીટી બસો દોડશે
- રક્ષાબંધન સુધી મહિલાઓ માટે સીટી બસમાં ફ્રી મુસાફરી
નવસારી: વર્ષોથી શહેરમાં સીટી બસ દોડાવવાનું નવસારી પાલિકાનું સપનું આજે( શુક્રવાર ) પૂરૂ થયુ છે. રામજી મંદિરમાં આયોજીત સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સીટી બસનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. 20 વર્ષો બાદ શરૂ થયેલી સીટી બસ પ્રારંભિક તબક્કે શહેરના 10 રૂટ પર સસ્તા ભાડામાં દોડશે, જેથી શહેરીજનોમાં ખુશી જોવા મળી હતી.
8 CNG બસો દોડશે
ગાયકવાડી નવસારીમાં વર્ષો અગાઉ GSRTCની સરકારી સીટી બસો દોડતી હતી. પરંતુ સરકારે સીટી બસ સેવા બંધ કરતા રોજીંદા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. જેમાં પાલિકા વર્ષોથી શહેરમાં સીટી બસ દોડાવવાનું આયોજન બજેટમાં કરતી આવી હતી, પણ બસ સેવા શરૂ થઈ શકી ન હતી. પરંતુ 20 વર્ષો બાદ મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી બસ યોજના અંતર્ગત શહેરીજનોને સસ્તા દરે અને પર્યાવરણને નુકશાન ન થાય એ રીતે PPP હેઠળ આજથી (શુક્રવાર ) 8 CNG મીની બસ દોડાવવાનું આયોજન નવસારી-વિજલપોર નગરપાલિકાએ કરતા શહેરીજનોમાં હર્ષની લાગણી ફેલાઇ છે.
આ પણ વાંચો : સ્વાતંત્ર્ય દિવસ અગાઉ દિલ્હીમાંથી મોટી સંખ્યામાં હથિયારો ઝડપાયા, 4ની ધરપકડ
વર્ચુઅલ ઉદ્ધાટન
સીટી બસ સેવાનું આજે (શુક્રવાર ) વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક આર. સી. પટેલ તેમજ ધારાસભ્ય પિયુષ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીટી બસ શરૂ થવાની ખુશીમાં પાલિકા પ્રમુખ જીગીશ શાહે દિવ્યાંગો માટે હમેશ માટે ફ્રી મુસાફરીની જાહેરાત કરી હતી. સાથે જ રક્ષાબંધન સુધી મહિલાઓ માટે પણ ફ્રી મુસાફરીની જાહેરાત કરાઈ હતી, જેને લઈને મહિલાઓમાં ખુશી જોવા મળી છે.
આ પણ વાંચો :કોલેજોના ખાનગીકરણ મુદ્દે સંચાલકો અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ
રીક્ષા ચાલકોએ નોંધાવ્યો વિરોધ
નવસારી-વિજલપોર શહેરમાં સીટી બસ શરૂ થવા પૂર્વે જ શહેરમાં દોડતી રીક્ષાઓના એસોસિએશન દ્વારા પાલિકા પ્રમુખ, કલેક્ટર તેમજ રાજ્યના મુખ્યપ્રધાન સુધી વિરોધ સાથેનું આવેદનપત્ર આપ્યા હતા. તેમ છતાં પણ બસ શરૂ થતા રીક્ષા ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. ખાસ કરીને કોરોના કાળમાં ગરીબ રીક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની છે, એવામાં પડતા પર પાટુની જેમ શહેરમાં સસ્તા દરે સીટી બસ શરૂ કરવામાં આવી છે. જેથી રીક્ષા એસોસિએશનના પ્રમુખ રાકેશ પટેલે કહ્યુ કે, અમે સીટી બસનો વિરોધ કરીએ છીએ, બસ રીક્ષા ચાલકોને પેટ પર સરકારની લાત છે. સાથે જ રેલવે સ્ટેશન નજીક રીક્ષા સ્ટેન્ડ સાથે જ બસ ઉભી રહેશે, તો રીક્ષા ચાલકોને ઉભા રહેવા જગ્યા નહીં મળે, જેથી બે બસ સિવાય અન્ય બસો માટે અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને બસનું ઓછામાં ઓછું ભાડુ 10 રૂપિયામાં રાખવામાં આવે, તો રીક્ષા ચાલકોને પણ સારૂ રહેની માંગણી ઉચ્ચારી હતી.