નવસારીઃ બાળકોના ભવિષ્ય માટે પાયાનું શિક્ષણ ખૂબ જ જરૂરી હોય છે. જો પાયાનું જ શિક્ષણ કાચું રહી જાય તો આગળ જતા અભ્યાસમાં મુશ્કેલી સર્જાય છે. ત્યારે નવસારી જિલ્લામાં વાલીઓ માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે, અહીં 650થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓમાં ત્રણ સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. તો આની સામે સરકારે 135 પ્રવાસી શિક્ષકો આપ્યા છે. જ્યારે કેટલીક શાળાઓમાં તો એક જ શિક્ષક છે. એટલે હવે વાર્ષિક પરીક્ષા ટાણે વાલીઓ અને આગેવાનોમાં ચિંતા જોવા મળી રહી છે.
આ પણ વાંચો ETV Bharat special report: 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકને પડી શકે છે અનેક મુશ્કેલીઓ
શિક્ષકોને અન્ય કામગીરીઓ સોંપાય છેઃ નવસારી જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ મહત્વનો મુદ્દો છે. પ્રાથમિક શિક્ષકોને સરકાર શિક્ષણ સાથે ચૂંટણી સહિતની અન્ય કામગીરીઓ પણ સોંપતી રહી છે. તેમાં પણ જિલ્લાની ઘણી ધોરણ 1થી 5ની વર્ગ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ધોરણ 1થી 5માં જ્યાં 2 શિક્ષકો હોવા જોઈએ ત્યાં ઘણી શાળાઓમાં એક જ શિક્ષક છે.
વિષય શિક્ષકોની ઘટઃ આ જ પ્રમાણે ધોરણ 6થી 8માં પણ વિષય શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ પૂરી કરવા સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોને નિમણૂક આપવામાં આવી, પરંતુ એ પણ જરૂરિયાત કરતા ઘણા ઓછા મળ્યા છે. નવસારી જિલ્લામાં 650થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં લગભગ 324 જેટલા શિક્ષકોની ઘટ છે, પરંતુ સરકાર દ્વારા ફક્ત 135 પ્રવાસી શિક્ષકોને નિમણૂક અપાઈ હતી. આમાં બાકીના લગભગ 189 શિક્ષકો મળ્યા નથી, જેથી બાળકોનો પાયો કાચો રહેવાની સંભાવના વધી છે.
એક શિક્ષકે ગાડું ગબડે છેઃ જિલ્લાના આદિવાસી પટ્ટાના ચિખલી અને વાંસદા તાલુકામાં સૌથી વધુ શિક્ષકોની ઘટ છે. તેમાં વાંસદામાં પ્રાથમિક શાળાઓમાં 126 શિક્ષકો નથી, જેની સામે સરકારે ફક્ત 55 પ્રવાસી શિક્ષકોને નિમણૂક આપી છે. આના કારણે વાંસદાના મોળાઆંબા અને ઝરી જેવા ગામોની પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 5માં એક શિક્ષકે ગાડું ગબડે છે.
નજીકના ગામના શિક્ષકની સેવા લેવાનું નક્કી કરાયું હતુંઃ મોળાઆંબા પ્રાથમિક શાળામાં શિક્ષકની ઘટને કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ માટે શાળાના અન્ય શિક્ષકોએ SMCના સભ્યો સાથે બેઠક કરી નજીકના જ ગામની એક એમ. એ. બીએડ શિક્ષિકાની સેવા લેવાનું નક્કી કર્યુ હતું. જેને શિક્ષકો પોતાના પગારમાંથી કોન્ટ્રીબ્યુશન કરી માનદ્ વેતન પણ આપે છે. પરંતુ જ્યાં આવી શક્યતા નથી, ત્યાંના બાળકોનું પાયાનું શિક્ષણ કાચું રહેવાની ભીતિ વાલીઓ અને ગામના આગેવાનો સેવી રહ્યા છે. જ્યારે થોડા સમયમાં વાર્ષિક પરીક્ષા થશે, ત્યારે શિક્ષકોની ઘટની અસર વિદ્યાર્થીઓના પરિણામ ઉપર પડી શકે છે.
ધારાસભ્યએ શિક્ષકોની ઘટ પૂરી કરવા માગ કરીઃ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે, આ આદિવાસી વિસ્તાર હોવાથી અહીંના બાળકોનો પાયો વંચિત કે કાચો ન રહી જાય તે માટે સરકારે ત્વરિત પગલાં લઈ જે કંઈ પણ શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક પૂરી કરવી જોઈએ.
આ પણ વાંચો Teachers Recruitment Navsari: ગણિતના શિક્ષકની ભરતી કરવા માટે અનોખી 'પરીક્ષા'
બાળકોના ભવિષ્યની ચિંતાઃ બીજી તરફ વાસદા તાલુકાના મોડાઆંબા ગામના શિક્ષક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમારી શાળામાં પણ 1થી 5માં 102 બાળકો અભ્યાસ કરે છે, જેમાં મહેકમ 4 શિક્ષકોનું હોવું જોઈએ, પરંતુ ટૂંક સમયમાં બદલી થવાથી 2 શિક્ષકોની ઘટ પડે છે, જેથી અમે બાળકોનું ભવિષ્યની ચિંતા કરીને અમે શિક્ષકો અને એસએમસીના સભ્યો સાથે મંત્રણા કરી કોઈ પણ એક એમ.બી.એડ શિક્ષક બાજૂના ગામથી બોલાવીને અમે આ શિક્ષકોની ઘટને પહોંચી વળવા માટે પ્રયાસ કરીએ છે.