નવસારી : 77 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ૭૫ મીટર લંબાઈ અને 10 ફૂટ પહોળાઈ ધરાવતો વિશાળ તિરંગાના મુખ્ય આકર્ષણ સાથે તિરંગા યાત્રા શરૂ નીકળી હતી. આ વિશાળ યાત્રાને નવસારી ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સહિતના મહાનુભાવોના હસ્તે વંદે માતરમ અને ભારત માતા કી જય નારા સાથે પ્રસ્થાન કરવામાં આવી હતી.
ભવ્ય તિરંગા યાત્રા : તિરંગા યાત્રા નવસારી શહેરના રાજમાર્ગો પર નીકળી હતી. તે દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. યાત્રાના માર્ગ પર યાત્રાનું સ્વાગત કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા. શહેરીજનોએ તિરંગા લહેરાવી ભારત માતા કી જયના પોકારો સાથે યાત્રાનું સ્વાગત કર્યું હતું. દર થોડા અંતરે અલગ-અલગ શાળાના વિદ્યાર્થીઓ, નાગરિકો, વિવિધ સંસ્થાઓ યાત્રામાં જોડાતા જોવા મળ્યા હતા.
ઘણી લડાઈઓ અને સંઘર્ષો બાદ આ આઝાદી મળી છે. દેશના કેટલાય સ્વાતંત્ર્ય સેનાનીઓએ શહીદી વહોરી છે ત્યારે પોતાનો દેશ પ્રાપ્ત થયો છે. દેશપ્રેમ વધે અને આઝાદીના લડવૈયાઓ માટે લોકોમાં વધુ જાગૃતિ આવે તે જરુરી છે. આવનાર પેઢીને પણ આઝાદીનું મહત્વ સમજાય તે માટે ગુજરાતમાં અને દેશભરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.-- સી.આર. પાટીલ (પ્રદેશ અધ્યક્ષ, ગુજરાત ભાજપ)
75 મીટર લાંબો તિરંગો : યુવાનોએ હાથમાં તિરંગા સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના જયઘોષથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગથી રંગી દીધું હતું. દેશભક્તિના ગીતો સાથે મેરી મિટ્ટી, મેરા દેશ, હર ઘર તિરંગા અભિયાનના સંદેશનો સૂત્રોચ્ચાર કરી લોકજાગૃતિનો સુંદર પ્રયાસ યાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. આવી ભવ્ય તિરંગા યાત્રા અગાઉ ક્યારેય નવસારીમાં નીકળી નથી.
સ્વયંભૂ જનમેદની ઉમટી : આ તિરંગા યાત્રામાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહી શહીદોને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. નવસારી પોલીસ વિભાગ દ્વારા 75 મીટર લાંબો તિરંગો યાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. શહેરની 17 સ્કૂલના 5000 થી વધુ બાળકો, 200 પોલીસ કર્મચારીઓ, 500 NCC કેડેટ, હોમગાર્ડના જવાનો સહિત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા. જેઓને દેશપ્રેમની સુંદર અભિવ્યક્તિ કરવા બદલ સી.આર. પાટીલે અભિનંદન આપ્યા હતા.