નવસારી : કોરોના કાળમાં આર્થિક ભીંસમાં મુકાયેલા નાસિકના ટ્રાવેલ્સ વ્યવસાયીએ ગુનેગારો સાથે કાર લૂંટી રૂપિયા કમાવવાનો રસ્તો પકડ્યો હતો. નવસારીના વાંસદા-વઘઇ માર્ગ પર નાસિકના કાર ચાલક પર બે રાઉન્ડ ફાયરિંગ કરી 22 લાખની કાર લૂંટી ફરાર થયા હતા.
નવસારી LCB પોલીસે 9 દિવસમાં બે આરોપીઓને મહારાષ્ટ્રના વર્ધા અને નાસિકથી પકડી ગુનાનો ભેદ ઉકેલકવામાં સફળતા મેળવી છે. તેમજ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, લૂટેલી કાર, ચોરીનો માબાઇલ ફોન અને દેશી તમંચો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં સાગરે તેના મિત્ર કરણ પ્રકાશ ધુગે સાથે મળી નાશિકના જય ડગલેની 22 લાખ રૂપિયાની ઇનોવા કાર અઠવાડિયા પહેલા અમદાવાદથી પરિવારના સભ્યોને લાવવાના બહાને કાર ભાડે કરી હતી. સાથે જ તેમણે અન્ય સાથી આદિત્ય શિંદેને પણ સાથે લીધો હતો.
કાર નવસારીના વાંસદા-વઘઇ માર્ગ પરના તાડપાડા ગામના વિસગુલીયા નજીકથી પસાર થઈ રહી હતી.ત્યારે આરોપીઓએ લઘુશંકના બહાને કાર ઉભી રખાવી હતી અને કાર ચાલક જય ઉપર અચાનક બે રાઉન્ડ ગોળીબાર કરી તેને ઘાયલ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જયને ઘટના સ્થળે છોડી આરોપીઓ કાર લૂંટીને મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યા હતા.
સ્થાનિક પોલીસે ઘાયલ કાર ચાલક જયને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ નવસારી LCBને સોંપવામાં આવતા પોલીસે આરોપીઓના મોબાઈલ નંબર મેળવી એને ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ પર રાખ્યા હતા.
નાસિક પોલીસની મદદથી બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કરી આરોપીનોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપી અને વર્ધાના વાની બંગલોમાં રહેતા સાગર ઉસવાળે ચોરીનો મોબાઇલ ફોન ઓન કરતા પોલીસમાં રડારમાં આવતા જ ઝડપાઇ ગયો હતો. જેની પૂછપરછમાં આદિત્ય અને કરણના નામો ખુલતા પોલીસે નાસિકમાં તપાસ શરુ કરી કરણને ઝડપી પાડ્યો હતો. જ્યારે આદિત્ય પોલીસને હાથતાળી આપવામાં સફળ રહ્યો હતો.
પોલીસે બંને આરોપીઓ પાસેથી લૂટેલી કાર, ચોરીનો મોબાઇલ ફોન અને દેશી તમંચો કબ્જે કર્યા હતા. જ્યારે ફરાર આરોપી આદિત્ય શિંદે અને તમંચો વેચનાર દેવા લોખંડેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. ગોળીબારમાં ઘવાયેલા જયની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ હતુ.