- કરાડીના લોકો 1893થી દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા
- વધુમાં વધુ લોકોને સ્વરાજ માટે જાગૃત કરી શકાય, એટલે દાંડીની થઈ હતી પસંદગી
- દાંડીકૂચ બાદ 21 દિવસો સુધી મહાત્મા રહ્યા હતા કરાડીની ઝુંપડીમાં
નવસારી : જલાલપોર તાલુકાના કાંઠાના ગામો 18 મી સદીથી દક્ષિણ આફ્રિકામાં વસ્યા હતા. કરાડીના લોકો 1893માં જ્યારે મહાત્મા દક્ષિણ આફ્રિકામાં કેસ લડવા ગયા અને ત્યાં રંગભેદ સામે તેમણે સત્યાગ્રહ કર્યો, ત્યારે એમની સાથે જોડાયા હતા. મહાત્માના ફિનિક્સ આશ્રમમાં પણ કરાડીના લોકોની આવન-જાવન હતી. જેથી કરાડીના એનઆરઆઈ સાથે ગાંધીજીને લાગણી હતી. સાથે જ જલિયાંવાલા બાગની ઘટના બાદ ગાંધીજીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવાની ઘોષણા કરી અને વર્ષ 1921માં કરાડીમાં પ્રથમ ભારત વિદ્યામંદિરની સ્થાપના થઇ હતી. જેના જીવનપર્યંત પ્રમુખ સરદાર પટેલ હતા. જેથી કરાડીમાં રાષ્ટ્રીય શાળા કાર્યરત હોવાથી મહાત્મા કરાડી પ્રત્યે ખેંચાયા હતા. એની સાથે સૌથી અગત્યની વાત કરાડી ગામના પાંચા પટેલ, જેઓ સ્વરાજની લડતના ક્રાંતિકારી હતા અને 1923 માં નાગપુર સત્યાગ્રહ સમયે મહાત્મા ગાંધી સાથે તેમણે જેલવાસ પણ ભોગવ્યો હતો. બારડોલી સત્યાગ્રહમાં પણ પાંચા પટેલ શામેલ હતા, જેથી પાંચા પટેલ સાથેની નિકટતાને કારણે પણ મહાત્મા ગાંધીજીએ કરાડી નજીકના દાંડીની પસંદગી કરી હતી.
આ પણ વાંચો: દાંડી યાત્રા સાથે જોડાયેલો છે રાણપુર શહેરનો ઇતિહાસ
મીઠાના કાયદાના ભંગ બાદ કરાડીમાં 21 દિવસ રહ્યા હતા બાપૂ
વર્ષ 1929 માં લાહોરમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં દેશમાં પૂર્ણ સ્વરાજ માટેની જાગૃતિ લાવવાનું કામ મહાત્માના ખભે નાંખવામાં આવ્યુ હતુ. જેથી 1930માં મહાત્મા ગાંધીજી, દાંડીમાં ચપટી મીઠુ ઉપાડી મીઠાના કાળા કાયદાનો સવિનય ભંગ કર્યા બાદ કરાડી ગામમાં ઝુંપડી બાંધી 21 દિવસ સુધી રહ્યા હતા. અહીં રહીને તેમણે આસપાસના ગામડાઓમાં જઈને સભાઓ કરી અને લોકોને પૂર્ણ સ્વરાજ માટે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. અહીં તાડી અને દેશી દારૂના દુષણને કારણે નાની ઉંમરે યુવાનો મોતને ભેટતા હતા અને યુવતીઓ વિધવા થતી, જેથી બાપુએ મહિલાઓની ટોળકીઓ બનાવી, ગામડાઓમાં દારૂબંધી માટે જાતે જઈને પીકેટિંગ પણ કર્યુ હતુ.
દાંડીકૂચને આગળ ધપાવવાનો કર્યો નિર્ણય અને થઈ ધરપકડ
મહાત્મા ગાંધીજીએ કરાડી ગામે રહીને દાંડીકૂચ અને મીઠાના સત્યાગ્રહને મળેલી સફળતા બાદ વલસાડના ધરાસણા ખાતે પણ મીઠાના અગરો પર જઈ સત્યાગ્રહ કરવાની તૈયારી કરી હતી. જેને લઈને તેમણે કરાડીની ઝુંપડીમાં બેસી લોર્ડ ઇરવિંગને પત્ર લખ્યો હતો. જેથી અંગ્રેજોએ મહાત્માની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ઐતિહાસિક દાંડી મીઠાના સત્યાગ્રહ સ્મારકના સરોવરમાં મીઠુ પાક્યું, દાંડીકૂચની સ્મૃતિઓ જીવંત થઈ
મહાત્માને ફ્રન્ટયર મેલ રોકી પુનાની યરવડા જેલમાં લઇ જવાયા હતા
કરાડી ગામે અડધી રાતે મહાત્મા ગાંધીજીને પકડવા વોરન્ટ લઈ પહોંચેલી પોલીસ પાસેથી જ બાપુએ વોરંટ વંચાવ્યુ હતું અને બાદમાં સુપરિટેન્ડન્ટ પાસેથી દાંતણ અને પ્રાર્થના કરવાનો સમય માંગ્યો હતો. જેની મંજૂરી મળતા બાપુએ ધરાસણા સત્યાગ્રહનો તખ્તો ગોઠવી નાંખ્યો હતો અને એની આગેવાની સરોજિની નાયડુને સોંપી હતી. બાદમાં પોલીસ ગાંધીજીની ધરપકડ કરી નવસારીના હાંસાપોર નજીક ફ્રન્ટયર મેલ રોક્યો હતો અને ત્યાંથી બાપુને પૂનાની યરવડા જેલમાં લઈ જવાયા હતા.