નવસારીઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે, ત્યારે બુધવારે સિવિલ હોસ્પિટલ જીવાત વાળા ભોજનને લઈને વિવાદમાં આવી છે.
કોરોના પોઝિટિવ ગર્ભવતી મહિલાએ જીવાત વાળા ભોજન સાથેનો વીડિયો વાયરલ કર્યો હતો. મહિલાએ ઘરે સારવાર આપવામાં આવે તેવી માગ કરી છે.
![Navsari Civil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-01-bhojan-jivat-video2-gj10031_22072020184810_2207f_1595423890_366.jpg)
નવસારીના તાશ્કંદ નગર ખાતે રહેતી મહિલાનો ગત રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાને 8 મહિનાનો ગર્ભ છે, જેથી એમને વધુ તકેદારીની જરૂર છે. જોકે આજે બુધવારે બપોરે મહિલાને સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા દાળ-ભાતમાં જીવાત નીકળતા મહિલા અકળાયા હતા. મહિલાએ સિવિલ તંત્રને ફરિયાદ કરવા સાથે જ એક જીવાત વાળા ભોજનનો વીડિયો પણ બનાવ્યો હતો.
સિવિલની જગ્યાએ તેમને ઘરે સારવાર આપવામાં આવેની વિનંતી સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં મહિલાએ વાઇરલ કર્યો હતો.
જો કે આ મામલે સિવિલ હોસ્પિટલના મુખ્ય સિવિલ સર્જન ડૉ. રૂપાલી જેસ્વાની સહિતના ડોકટરોનો સંપર્ક કરી પૂછવાનો પ્રયાસ કર્યો, પણ કોઈપણ ડોકટરે ફોન ઉપાડ્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ સિવિલ હોસ્પિટલ બે વાર સ્વચ્છતાને મુદ્દે તેમજ કોરોના પોઝિટિવ દર્દીઓને તેમના સગાઓ દ્વારા પહોંચાડાતુ ભોજન પહોંચતુ જ ન હોવાના આક્ષેપો સાથેના વીડિયો વાયરલ થયા હતા, તેમજ દર્દીના સ્વજનોએ હોબાળો પણ મચાવ્યો હતો.