- જિલ્લા તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર થતા કોરોનાના આંકડાઓ જુદા-જુદા
- નવસારી જિલ્લા તંત્રએ પ્રથમ 116 પોઝિટીવ કેસો બતાવ્યા હતા
- જિલ્લામાં કોરોનાના 776 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ
નવસારી : નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધ્યું છે અને દિવસે દિવસે કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં આજે શનિવારે જિલ્લા તંત્ર દ્વારા 116 લોકો કોરોના સંક્રમિત થયાનું જાહેર કર્યું હતું પણ મોડી રાતે કુલ 143 લોકો કોરોના સંક્રમિત થયાનું જાહેર કર્યુ હતુ. જોકે આજે જિલ્લામાં 776 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે શનિવારે કોરોના વાંસદાના 76 વર્ષીય ડૉક્ટરને ભરખી ગયો હતો.
નવસારીના સિંધી કેમ્પની બે વર્ષીય દીકરી પણ થઇ સંક્રમિત
કોરોના મુક્ત થતાં નવસારીમાં ફેબ્રુઆરીના મધ્યથી કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે શનિવારે નવસારી જિલ્લામાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક આંકડો નોંધાવા પામ્યો છે. જેમાં એક જ દિવસમાં કોરોનાના 143 કેસો સામે આવ્યા છે. કોરોનાના કેસો વધતા હવે બાળકો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. નવસારીના સિંધી કેમ્પની એક બે વર્ષીય દીકરી પણ કોરોના સંક્રમિત થઈ છે. જેની સાથે જ જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 776 પર પહોંચી છે. બીજી તરફ 68 દર્દીઓએ કોરોનાને હરાવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે શનિવારે વાંસદાના 76 વર્ષીય ડૉક્ટરનું કોરોનાને કારણે મોત નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.
આ પણ વાંચો : વાંસદા તાલુકાના ગંગપુર ગામમાં 10 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન
નવસારીમાં કુલ 2151 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
નવસારીમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 3033 કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે. જેની સામે જિલ્લામાં 2151 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે જિલ્લામાં કુલ 776 દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે કોરોનાને કારણે અત્યાર સુધીમાં જિલ્લાના 107 લોકોના જીવ ગયા છે.
રાજ્ય સરકારના અને જિલ્લા તંત્રના આંકડાઓમાં તફાવત
નવસારી જિલ્લામાં કોરોનાના વધતા કેસ મુદ્દે જિલ્લા તંત્ર આંકડા છુપાવી રહ્યું હોવાની વાતો ચર્ચામાં રહી છે. જોકે છેલ્લા થોડા દિવસોથી જિલ્લા તંત્ર દ્વારા અપાતા કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડાઓ અને રાજ્ય સરકાર દ્વારા જાહેર થતા આંકડાઓમાં મોટો તફાવત જોવા મળે છે. જેથી જિલ્લા તંત્ર આંકડા છુપાવવાનો પ્રયાસ કરતું હોય એવું આંકડાઓનો તફાવત કહી બતાવે છે. શનિવારે પણ નવસારી જિલ્લા તંત્ર દ્વારા સાંજે કોરોનાના 116 લોકો પોઝિટિવ થયાની યાદી જાહેર કરાઈ હતી. પરંતુ રાજ્ય સરકારે નવસારી જિલ્લામાં 143 લોકો પોઝિટિવ જાહેર કર્યા બાદ રાત્રે દસ વાગ્યે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 143 લોકો સંક્રમિત થયા હોવાની યાદી જાહેર કરી હતી.