નવસારીઃ જિલ્લામાં વસતા કિન્નરો વચ્ચે વિસ્તાર અને પદને લઈને વિવાદ વકર્યો છે. શહેરના કિન્નર અખાડાના મુખીયા મુસ્કાનકુંવર નૂતનકુંવર છે, પરંતુ બારડોલીથી આવેલા પૂનમકુંવર શહેરના ચારપુલ નજીકના અખાડાના સર્વેસર્વા બની ગયા છે. જેમના દ્વારા મુસ્કાનકુંવર સહિત શહેરના 20 તથા બીલીમોરા અને વલસાડ અખાડાના 10 કિન્નરોને કરવામાં આવતી હેરાનગતિ મુદ્દે બુધવારે મુસ્કાનકુંવરની આગેવાનીમાં કિન્નરોએ વિજલપોરના ધોળીકુઇ માતાજી મંદિર નજીકના અખાડા પાસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પૂનમકુંવર સામે લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવા મજબૂર કરવામાં આવતા હોવાની સાથે મહિને 5 લાખ રૂપિયા ભેગા કરી તેમને આપવા દબાણ કરવામાં આવતું હોવાના તેમજ તેમને માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા. આ સાથે જ પૂનમકુંવરની હરકતોને કારણે સુરતના નાનપુરા સ્થિત હિજડાવાડના મુખ્ય અખાડામાંથી તેમને અને તેમની સાથેના અન્ય ત્રણ કિન્નરોને કિન્નર સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા હોવા છતાં, પૂનમકુંવર નવસારીમાં ડાફૂ લેવા મુદ્દે ડાફૂ ચારપુલ અખાડાની ઓફીસે આવી આપી જવું અને રસીદ લઇ જવી, જેવી ખોટી વાતો મીડિયા મારફતે ફેલાવે છે, જેનો કિન્નર સમાજ વિરોધ કરે છે. કિન્નરોની ઑફિસ નથી હોતી, એમના મંદિરો, અખાડા અને મઠ હોય છે. જેથી લોકો એમની વાતોમાં આવે નહીં.
આ સાથે જ પૂનમકુંવર દ્વારા નવસારીના કિન્નરોને શહેર છોડી દેવા અને માર મારવાની ધમકીઓ આપવામાં આવી રહી હોવાની ફરિયાદ સાથે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં મુસ્કાનકુંવર સહિત 30 કિન્નરોને કોઈ પણ હાની પહોંચે, તો એની જવાબદારી પૂનમકુંવર તેમજ બબીતાકુંવર, ઇશીતાકુંવર અને ચંદનકુંવરની રહેશે તેની ચેતવણી પણ ઉચ્ચારી હતી.