- L&T ચેરમેન એ.એમ.નાયકના નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલની સ્થાપના
- દક્ષિણ ગુજરાતને નિરાલી કેન્સર હોસ્પિટલમાં વ્યાપક અને વ્યાજબી આરોગ્ય સેવાઓ મળશે
- હોસ્પિટલમાં ઑન્કોલોજી, ડાયગ્નોસ્ટિક્સ, ન્યુક્લિઅર મેડિસિન, રેડિયોલોજી સહિતની સેવાનો સમાવેશ
નવસારી: ગુજરાતના છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં પણ સુપર સ્પેશ્યાલિટી સહિતની આરોગ્ય સેવાઓ પહોંચાડવા નવી હેલ્થ પોલિસીમાં ઈન્સેન્ટીવ યોજના શરૂ કરી છે. જેથી રાજ્યના દરેક જરૂરિયાતમંદ લોકો સુધી આરોગ્ય સેવા પહોંચી શકે. તેવા સરકારના પ્રયાસો હોવાની વાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નવસારીમાં નવનિર્મિત નિરાલી કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કરી હતી. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ અને હોસ્પિટલના પ્રણેતા, L&Tના ચેરમેન પદ્મવિભૂષણ અનિલ નાયક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: આયુર્વેદમાં કેન્સરવિરોધી ઔષધિઓ
અદ્યતન હોસ્પિટલ ઉત્કૃષ્ટ સેવાનું માધ્યમ બનશે: મુખ્યપ્રધાન
નવસારીના કબીલપોર નજીક એ.એમ.નાયક હેલ્થ કેર કોમ્પલેક્ષમાં નવનિર્મિત નિરાલી કેન્સર હોસ્પિટલનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ પ્રસંગે હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યા બાદ આયોજિત સમારોહમાં મુખ્યપ્રધાન રૂપાણીએ દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારોના ગરીબ અને જરૂરતમંદ પરિવારોની આરોગ્યની સુખાકારી માટે આ અદ્યતન હોસ્પિટલ એક ઉત્કૃષ્ટ સેવા અને સારવારનું માધ્યમ બનશે. તેવી અપેક્ષા વ્યકત કરી હતી. કેન્સર જેવી ગંભીર બિમારી સહિત અન્ય ગંભીર રોગોની સારવાર માટે 60 લાખથી વધુ પરિવારોને મુખ્યમંત્રી અમૃત્તમ વાત્સલ્ય કાર્ડ અંતર્ગત આવરી લઇને 3 લાખ સુધીની સારવાર અને પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત અન્વયે 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર યોજનાનો લાભ મળી રહ્યો છે.
આ પણ વાંચો: ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ આજે નવસારીમાં નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો કરશે શિલાન્યાસ
હોસ્પિટલનું સંચાલન અપોલો સીબીસીસી ગ્રુપ સંભળાશે
પદ્મ વિભૂષણ એ.એમ.નાયકે નિરાલી કેન્સર હોસ્પિટલ સમાજ માટે નવી આશા અને વિશ્વાસનો નવો યુગ લાવશે. તેવી આશા સાથે જન્મભૂમિ માટે યોગદાન આપવા બદલ અત્યંત ખુશ હોવાનું જણાવ્યું હતુ. અત્યાધુનિક સુવિધાઓથી સજજ હોસ્પિટલ વ્યાપક અને વ્યાજબી કેન્સર સુવિધા ઉપલબ્ધ કરાવશે. જ્યારે, હોસ્પિટલનું સંચાલન પ્રતિષ્ઠિત અપોલો CBCC ગ્રુપ દ્વારા કરવામાં આવશે. હોસ્પિટલમાં ઑન્કોલોજી, ડાયગ્નોસ્ટિક્સ, ન્યુક્લિઅર મેડિસિન, રેડિયોલોજી તેમજ પેઇન મેનેજમેન્ટ, ફિઝિયોથેરાપી વિગેરે જેવી અન્ય સેવાઓને આવરી લેવામાં આવી છે.
હોસ્પિટલના લોકાર્પણમાં અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
નિરાલી કેન્સર હોસ્પિટલના લોકાર્પણ સમારોહમાં ગીતા નાયક, વાઇસ ચેરપર્સન પ્રીથા રેડ્ડી, સુરતના સાંસદ દર્શના જરદોશ, બારડોલીના સાંસદ પ્રભુ વસાવા, વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવા, ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.