નવસારી: ગણદેવી તાલુકાના અમલસાડ ગામે આવેલા લીલાવતી નગરમાં પોલીસે બોગસ દસ્તાવેજો જેવા કે લિવિંગ સર્ટિફિકેટ, જોબ એક્સપિરિયન્સ લેટર અને ગુજરાત બોર્ડની માર્કશીટ છાપતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બોગસ ડોક્યુમેન્ટ સાથે કમ્પ્યુટર પ્રિન્ટર અને પેન ડ્રાઈવ વગેરે મળી 22,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
"ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પકડાયેલા આરોપી મુકેશ પટેલ ફોટોશોપનું કામ શીખ્યો હતો. તેના આધારે પોતાના મકાનમાં સ્કેન કરી ફોટોશોપ નામના સોફ્ટવેરમાં ડેટા એડીટીંગ કરીને અલગ અલગ બોગસ દસ્તાવેજો બનાવતો હતો. પોતાના આર્થિક ફાયદા માટે સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થા સાથે છેતરપિંડી કરી બોગસ દસ્તાવેજોના સાચા તરીકે ઉપયોગ કરવા બદલ તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. તો બીજી તરફ બોગસ દસ્તાવેજો ને આધારે જે કોઈએ પણ સરકારી કે પ્રાઇવેટ સંસ્થામાં નોકરી મેળવી હશે તેની તપાસ કરી કાર્યવાહી કરાશે."--એસ.કે રાઈ (ડીવાયએસપી નવસારી)
બાતમીના આધારે તપાસ: ગણદેવી પોલીસને એક બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં આવેલ લીલાવતી નગરમાં રહેતા બે શખ્સો બોગસ લિવિંગ સર્ટિફિકેટ, જોબ એક્સપિરિયન્સ લેટર અને ગુજરાત બોર્ડની માર્કશીટ છાપી અને તેને ઊંચી કિંમત વસૂલી વેચી રહ્યા છે, ત્યારે ગણદેવી પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ પાડી બોગસ ડોક્યુમેન્ટ છાપતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓ છેલ્લા છ મહિનાથી બોગસ ડોક્યુમેન્ટનો વેપાર કરતા હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાત બોર્ડની માર્કશીટ: મુકેશ પટેલ અને સુરજીતસિંગ નામના ઝડપી પાડવામાં આવેલા આ બે શખ્સો પાસેથી ગણદેવી તાલુકાની વિવિધ શાળાના બોગસ લિવિંગ સર્ટિફિકેટ તેમજ ગુજરાત બોર્ડની માર્કશીટ મળી આવી હતી. જેમાં આરોપીઓના ઘરમાંથી બોગસ ડોક્યુમેન્ટ સાથે કમ્પ્યુટર પ્રિન્ટર અને પેન ડ્રાઈવ પણ કબજે લીધા હતા. આ બંને આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.