નવસારી: શહેરને અડીને આવેલા કાઠીયાવાડી વિસ્તાર ખાતે નવા ફળિયામાં આશરે 125 વર્ષ જુના મકાનને વાસણના વેપારી દ્વારા ભાડે રાખી તેમાં વાસણનો જથ્થો મૂકવા આવતો હતો. શોર્ટ સર્કિટને કારણે કાચા મકાનમાં આગ લાગવાથી વેપારીનો 70 ટકા બળીને ખાખ થયો હતો. ઘટનાની જાણ વિભાગને થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સાથે પહોંચી પાણીનો મારો ચલાવી આગની કાબુમાં લીધી હતી.
કેવી રીતે લાગી આગ?: નવસારી શહેરના કાછીયાવાડી વિસ્તારમાં આવેલા નવા ફળિયા ખાતે 125 વર્ષ જુના ધર્મેશભાઈ પટેલના કાચા મકાનને મારવાડી વાસણના વેપારી દ્વારા ભાડે રાખવામાં આવી હતી. 60 લાખ રૂપિયાના વાસણનો જથ્થો આ કાચા મકાનમાં મૂકી તેનો ગોડાઉન તરીકે ઉપયોગ શરૂ કર્યો હતો. ઉપરના મકાનમાં ફક્ત એક બલ્બ ચાલુ રાખવામાં આવતો હતો જેમાં શોર્ટ સર્કિટને કારણે ગતરોજ આગ લાગતા વાસણના જથ્થાને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ ઘટનાની જાણ તાત્કાલિક નવસારી ફાયર વિભાગને કરવામાં આવતા વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
'સવારે 10:45 વાગ્યે આગની ઘટના બની હતી. જેની જાણ સ્થાનિકો દ્વારા અમને કરવામાં આવતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લેવા માટેના તમામ પગલાંઓ લીધા હતા. હાલ આગ કાબુમાં છે અને કોઈ જાનહાની નથી.' -ફાયર વિભાગના અધિકારી
લાખોનું નુકસાન: મકાન ભાડે રાખનાર વાસણના વેપારી હીરા કુમાવત દ્વારા આશરે 60 લાખની કિંમતના વાસણનો જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતા. જે પૈકી 42 લાખથી વધુના વાસણના જથ્થાને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મકાનની ગ્રાઉન્ડ ફ્લોર પર મૂકવામાં આવેલા વાસણના જથ્થાને વેપારીના પરિજનો દ્વારા તાત્કાલિક ખસેડી લેવામાં આવ્યો હતો. જેને લઈને વેપારીનો થોડો માલ બચવા પામ્યો હતો. ગોડાઉનના માલિકને સ્થાનિકોએ ફોન કરી આગ લાગ્યાની માહિતી આપી હતી. નવસારી વિજલપોર પાલીકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા ફાયર વિભાગે તાત્કાલિક ત્રણ વાહનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી.