દાહોદ: જિલ્લામાં SOG પોલીસે ડ્રોનની મદદથી ગુણા ગામે ગુણીયા ફળિયામાં ત્રણ ખેતરમાં ગાંજાની ખેતી કરતાં લોકોને ઝડપી પડ્યા છે. અહીં પોલીસને આ ત્રણેય ખેતરોમાં ગાંજાના કુલ 493 છોડ મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા 16,91,000 છે. પોલીસે આ તમામ મુદ્દામાલ ઝડપી પાડી ત્રણ જણા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે.
ડ્રોન કેમેરાની મદદથી ખેતરો શોધી કાઢ્યા: દાહોદ SOG પોલીસને અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે, ગુણા ગામના ગુણિયા ફળીયામાં રહેતા બચુભાઇ સાયબાભાઇ બારીઆ, ગુલાબસિંગ ફુલસીંગ બારિઆ, રમિલાબેન ભારતભાઇ બારીઆ નામના વ્યક્તિઓએ તેમના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. આ ખેતરો અલગ-અલગ દિશામાં આવેલા હતા, પરિણામે દાહોદ SOG પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ખેતરો શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા: બાતમી મુજબ અહીં રેઇડ કરતાં બચુભાઇ સાયબાભાઈ બારીઆ, ગુલાબસિંગ ફુલસીંગ બારિઆ, રમિલાબેન ભારતભાઈ બારીઆ હાજર મળી આવતાં તેઓને સાથે રાખી તેમના ખેતરો તથા ઘરની તપાસ કરતાં ખેતરોમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ મળી આવ્યા હતા. ઉપરાંત વધુ તપાસ માટે FSL અધિકારીને સ્થળ ઉપર બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા છોડનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરિણામ આવતા જાણવા લમયું કે આ છોડ ગાંજાના છોડ જ છે. પરિણામે ઉપરોકત મુદ્દામાલ કબજે લઇ ત્રણેયની અટક કરી તેમના વિરુદ્ધ NDPS એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
ગાંજાના કુલ 493 છોડો મળી આવ્યા: તમને જણાવી દઈએ કે, આરોપી બચુભાઇ સાયબાભાઇ બારીઆના ખેતરોમાંથી લીલા ગાંજાના કુલ 267 છોડ મળી આવ્યા હતા જેનું કુલ વજન 103.920 કિલોગ્રામ છે જ્યારે તેની કિંમત કુલ રૂપિયા 10,39,200 છે જેને કબજે કરવામાં આવ્યો છે. અન્ય ખેડૂત ગુલાબસિંગ ફુલસીંગ બારિઆના ખેતરમાંથી લીલા ગાંજાના 37 છોડ Nનળી આવ્યા હતા. જેનું વજન 27.980 કિલોગ્રામ છે અને કુલ કિંમત રૂપિયા 2,79,800 છે. રમિલાબેન ભારતભાઈ બારીઆના ખેતરમાં લીલા ગાંજાના કુલ 189 છોડ મળી આવ્યા હતા. જેનું વજન 39.200 કિલોગ્રામ અને કુલ કિંમત રૂપિયા 3,72,000 છે. આમ આ ત્રણેય આરોપીઓના ખેતરોમાંથી ગાંજાના કુલ 493 છોડો મળી આવ્યા હતા. જેનું કુલ વજન 169.100 કિલોગ્રામ અને કિંમત રૂપિયા 16,91,000 છે. આ તમામ મુદ્દામલને કબજે લઈ આરોપીઓની અટકાયત કરી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: