- જિલ્લામાં નવા 12 લોકો થયા કોરોના સંક્રમિત
- સોમવારે 55 કોરોનાથી સાજા થયા
- એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 211 થઈ
- નવસારી જિલ્લામાં કુલ 6600 દર્દીઓ કોરોનાથી સાજા થયા
નવસારી : જિલ્લામાં વિફરેલા કોરોનાને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ હતી. જ્યાં દિવસના 125થી વધુ કોરોના પોઝિટિવ કેસો નોંધાતા હતા, ત્યાં હવે કોરોના કેસ ઘટીને 10ની નજીક પહોંચ્યા છે. સોમવારે નવસારીમાં નવા 12 લોકો કોરોના સંક્રમિત થયા હતા. જેની સામે જિલ્લામાં કુલ 55 દર્દીઓ સાજા થતા, એક્ટિવ દર્દીઓની સંખ્યા 211 પર પહોંચી છે. જ્યારે આજે સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી.
આ પણ વાંચો : નવસારીમાં 20 રસીકરણ કેન્દ્રો પર 4000 યુવાઓને અપાઇ કોરોના વેક્સિન
નવસારીમાં કોરોના પોઝિટિવ કુલ કેસો 6998 થયા
નવસારી જિલ્લામાં 14 મહિનાઓથી કોરોના કેસ જોવા મળી રહ્યા છે. જેમાં પ્રથમ લહેર બાદ બીજી લહેર વધુ ઘાતક સાબિત થઈ છે, પરંતુ બીજી લહેરમાંથી પણ નવસારી બહાર નીકળી રહ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. મેના મધ્યથી શરૂ થયેલો ઘટાડો જૂનમાં એકદમ ઘટ્યો છે. જોકે છેલ્લા 14 મહિનાઓમાં નવસારીમાં ફુલ 6998 લોકો કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે જિલ્લામાં 6600 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે અત્યાર સુધીમાં કુલ 187 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે.