છેલ્લા 6 વર્ષથી વલસાડથી સુરત આંગડિયા પેઢીમાં સોનુ, ચાંદી કે રોકડ રકમને લઈને અવર-જવર કરતો અમરત કાંતિ આંગડિયા પેઢીનો કર્મી પ્રભાત રાજપૂત રોજિંદા કામ મુજબ વલસાડથી કચ્છ એક્સપ્રેસમાં મુસાફરી કરવા ગાડીમાં બેઠો હતો. તે દરમિયાન વલસાડ ડુંગરીના બાલાજી રોડ નજીક ગાડીને સિગ્નલ ન મળતાં ગાડી ધીમી પડી હતી. આ દરમિયાન ગાડીમાં 5 લૂંટારું આવી આંગડિયા પેઢીના કર્મીને તમંચો અને કોઈ અન્ય હથિયાર વડે માથાના ભાગે ઇજા પોહચાડીને લૂંટ ચલાવી હતી. આંગડિયા કર્મી પાસે બેગ લઈને આ ટોળકી ફરાર થઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતા રેલવે પોલીસે નવસારી કચ્છ એક્સપ્રેસ રોકી ઘવાયેલા કર્મીને સૌપ્રથમ નવસારી સિવિલ અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. જો કે કેટલા રૂપિયા, સોનુ અને ચાંદી હતા તેનો અંદાજો લગાવવામાં આવ્યો નથી. પોલીસે વલસાડ, વાપી, મુંબઈ અને નવસારીના માર્ગો પર વાહન ચેકીંગ અને નાકાબંધી કરી દીધી છે. ઈજાગ્રસ્ત થયેલા શખ્સ અને ટ્રેનમાં બેઠેલા અન્ય મુસાફરોના જણાવ્યા મુજબ લૂટારાઓની ઉંમર 25 વર્ષની આસપાસ હોવાનો અંદાજ છે.
બસ સ્ટેશન હોય કે રેલવે સ્ટેશન પોલીસની બીક વગર જાહેર સ્થળો પર ગુનાને અંજામ આપવું લૂંટારુઓ માટે હવે રમત બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. કચ્છ(ગાંધીધામ) ટ્રેનનો ડબ્બો મુસાફરોથી ભરાયેલો હોવા છતા, આવા ભીડ વાળી જગ્યાએ લૂંટારાઓની ટોળકીએ પોતાની મેલી મુરાદ પુરી કરીને નિર્દોષને જીવન જોખમમાં મુક્યો છે, ત્યારે આંગડિયા પેઢીના કર્મીઓ પર હમેશા ભયની તલવાર લટકતી રહે છે. પોલીસ પાસે રક્ષણ મળે અથવા તો કર્મીઓને વિશેષ તાલીમો આપવવામાં આવે તો આવી ઘટનાઓમાં ચોક્કસ ઘટાડો થઈ શકે.