નર્મદાના કેવડિયા કોલોની પર નાતાલની રજાઓ પર પ્રવાસીઓનો ઘસારો વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રવાસીઓ અથવા તો તેમનાં એજન્ટ વ્યુઇંગ ગેલેરી જોવા માટે અવનવા કિમીયાઓ અપનાવી ટીકિટની ઝેરોક્ષ વેચી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા હતા. જે બાબતે પ્રવાસીઓએ હલ્લો કરતા તંત્ર એક્શનમાં આવ્યું અને એજન્ટોને સ્ટેચ્યુ ટીકિટ નહીં આપવાની જાહેરાત કરી અને સાથે પ્રવાસીઓને હાલાકી ન પડે જે માટે 12 નવા ટીકિટ કાઉન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં પ્રવાસીઓ પાર્કિંગ કરે ત્યાંજ સાહેલાયથી ટીકીટ મળી શકે જે માટે 7 ટિકિટ કાઉન્ટર નવા બનાવવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટિના Dy CEO નિલેશ દુબેએ પણ સ્પષ્ટતા કરી કહ્યુ કે, 28થી 30 હજાર પ્રવાસીઓ રોજના નોંધાય છે. જેમાં બારકોડ રીડ ન થાય એવું બને છે. ભીડને કારણે આવું થતું હોય છે પણ સ્કેનિગ માટે પણ સતર્કતા વધારી દીધી છે. નાતાલના દિવસથી 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓની ટિકિટ હાઉસ ફૂલ થઈ ગઈ છે. હાલમાં ટિકિટ માટે પડાપડી થઈ રહી છે. રોજના 20 થી 30 હજાર પ્રવાસીઓ આવી રહ્યા છે. ટિકિટની પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. 100 જેટલી બસ સુવિધા પણ ખાસ કરવામાં આવી છે. ત્યારે પ્રવાસીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી છે.