નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી જોવા માટે પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે, ત્યારે પ્રવાસીઓ માટે SOUના તંત્ર દ્વારા ઓનલાઇન ટિકિટ બુકીંગ શરુ કરવામાં આવ્યુ હતુ, જેનો ફાયદો એજન્ટોએ ઉઠાવ્યો હતો, ફરી વખત બોગસ ટિકિટનો કિસ્સો બહાર આવ્યો છે, એજન્ટ દ્વારા પ્રવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે, દિલ્હીના એક રંગ ટ્રાવેલ્સ એજન્સી દ્વારા એક હજારની ઓનલાઇન ટિકિટ કાઢી PDF ફાઈલમાં 1000ની જગ્યાએ 1260 રૂપિયા લખી પ્રવાસીઓને છેતરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેની ટિકિટ ચેકીંગમાં તપાસ થતા આ સમગ્ર ઘટના બહાર આવી હતી, જેમાં 1000ની 10 ટિકિટોમાં છેડછાડ કરી પ્રવાસીઓ પાસેથી 260 રૂપિયા વધારે પડાવી લીધા હતા, જે બાબતે SOUના અધિકારીઓ દ્વારા કેવડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વારંવાર એજન્ટ દ્વારા નવાનવા કીમિયા અજમાવી પ્રવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે, હવે આ બે મહિનામાં બીજો બોગસ ટિકિટનો કિસ્સો બહાર આવ્યો છે, ત્યારે પોલીસ દ્વારા દિલ્હીના એક રંગ ટ્રાવેલ્સ એજન્સી પર ફરિયાદ નોંધવામાં આવી હતી, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.