આગામી 31 ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષગાંઠ હોવાથી પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા ગુજરાત સરકારની ટીમો રાત દિવસ કામે લાગી છે. 31 ઓક્ટોબરને હવે દોઢ મહિના બાકી છે, ત્યારે વિવિધ 30 પ્રોજેક્ટો બનાવવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે, ત્યારે એક આકર્ષણ ડાયનાસોર ઉભું કરવામાં આવી રહ્યું છે.
સ્ટેચ્યુથી નર્મદા ડેમ તરફ જતા રીવર બેડ પાવર હાઉસની ટેકરી પર ત્રણ નાના મોટા ડાયનાસોર મુકવામાં આવશે. 30 ફૂટ ઉંચા એમ ત્રણ ડાયનાસોર બનાવવામાં આવી રહ્યા છે. હાલ એક ડાયનાસોર ઉભું થઇ ગયું છે. જયારે બીજા બેનું ફાઉન્ડેશન બનાવી તેમને પણ ઉભા કરવામાં આવી રહ્યા હતાં. આ ત્રણેય ડાયનાસોર 15 ઓક્ટોબર પહેલા તૈયાર કરી આપવાના હતાં.
ખાનગી કોન્ટ્રકટરે ચેન્નાઈથી કારીગરો બોલાવી ફાયબર મટીરીયલથી આ ડાયનોસોર બનાવતા હતાં. જેથી જંગલ સફારીને રિયલ લૂક લાગે પરંતુ પહેલો બનેલો ડાયનાસોર જ પગથી તૂટી જતા કડકભૂસ થઈ નીચે પડ્યો હતો. જો પ્રવાસીઓની હાજરીમાં થયું હોત તો ? તેવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.
ડાયનાસોરની આ ઘટનાને રાજ્ય સરકારે ગંભીર રીતે લઈ સરકારે તપાસના આદેશ આપ્યા છે. જોકે હાલ તંત્ર આ આ ડાયનાસોરના પડવાના મામલે મજબૂતાઈ જોવા ઉપર કર્મચારીઓ ચઢાવી કેટલું વજન ખમી શકે તે બાબતે ચેકીંગ કરી રહ્યાં હોય તેવો બચાવ કરી રહ્યા છે.