- નરેન્દ્ર મોદી દ્વારા 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરાયું
- નરેન્દ્ર મોદી કેવડિયાની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતાં
- કોસ્ટગાર્ડની મરીન બોટને લાવવામાં આવી હતી કેવડિયા
નર્મદાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્થિત એકતા ક્રૂઝ બોટના લોકાર્પણ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે કેવડિયા લવાયેલી મરીન પોલીસની બોટ ટ્રેલરમાં વેરાવળ લઇ જતાં સમયે ગડુ પાસે દુર્ઘટના સર્જાઇ હતી. ડ્રાઇવર જમવા રોકાયો ત્યારે અચાનક બોટમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ડ્રાઇવરે બાજુમાં અવોલા વાહનોના સર્વિસ સ્ટેશન પાસે લઇ જઇ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો.
ટ્રકમાં લાગી હતી આગ
ગત 31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાની 2 દિવસીય મુલાકાતે આવ્યા હતાં. તેમણે નવા 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. એકતા ક્રૂઝ બોટનું લોકાર્પણ કરી તેઓ 6 કિમી દૂર ભારત શ્રેષ્ઠ ભવન સુધી ગયા હતાં. તેમની સુરક્ષા માટે કોસ્ટગાર્ડની મરીન બોટને કેવડિયા લાવવામાં આવી હતી. કાર્યક્રમ બાદ બોટને ટ્રેલરમાં પરત વેરાવળ લઇ જવાતી હતી. ડ્રાઇવર જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર ગડુ પાસે માધવ હોટલની સામે ટ્રક ઉભી રાખી ડ્રાઇવર જમવા માટે રોકાયો હતો. તે દરમિયાન બોટમાં અચાનક જ આગ લાગી હતી.
આગના કારણે બ્લાસ્ટ થવાની શક્યતા હોવાથી ડ્રાઇવરે સાવચેતી રાખી ચાલુ આગમાં ટ્રેલરને હંકારી ટ્રાફિકથી દૂર બહાર ક્રિષ્ના હોટલ નજીક લઈ ગયો હતો. લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરાતાં વેરાવળ અને ચોરવાડ પાલિકાના ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબુમાં લીધી હતી.