- સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના ટેસ્ટ ફરજિયાત
- રવિવારના રોજ મુલાકાતે આવેલા 150 પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા
- 11 પ્રવાસીઓ પૈકી 3નો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ 11ને પ્રવેશથી વંચિત રખાયા
કેવડિયા: સમગ્ર રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં નર્મદા જિલ્લામાં પણ વધારે પડતા કોરોના કેસ નોંધાતા તંત્ર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા તમામ લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા હોય છે. રવિવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 150 પ્રવાસીઓ પૈકી 3ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
અમદાવાદથી આવેલા 3 લોકોના રિપોર્ટ પોઝિટિવ
નર્મદા જિલ્લામાં હાલ રોજ સરેરાશ 30 જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે. જેને લઈને નર્મદા જિલ્લાના આરોગ્ચ વિભાગની એક ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તૈનાત કરવામાં આવી છે. જે તમામ પ્રવાસીઓના રેપિડ ટેસ્ટ કરતી હોય છે અને પ્રવાસીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એન્ટ્રી આપવામાં આવતી હોય છે. જોકે, અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવેલા 11 લોકો પૈકી 3નો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા તમામ 11 લોકોને એન્ટ્રી આપવામાં આવી ન હતી.