નર્મદાઃ કેવડિયા કોલોની કોરોના માટે હોટસ્પોટ બન્યું છે. જેને લઈને લોકોમાં ફફળાટ ફેલાયો છે અને નર્મદા જિલ્લામાં છેલ્લા 100 દિવસથી વધુ સમયમાં જિલ્લા બહારથી સંક્રમિત થઇને આવેલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે જિલ્લામાં 17 જૂન સુધી 33 કેસ હતા, બાદમાં સુરત ખાતે લોકડાઉન-3માં ફરજ બજાવી કેવડિયા પરત આવેલી SRPની ત્રણ ટુકડીના કેટલાક SRP જવાનો સંક્રમિત હતા.
નર્મદા જિલ્લાનું કેવડિયા બન્યું કોરોના હોટસ્પોટ
- કેવડિયામાં સ્ટેચ્યું ઓફ યૂનિટીની રક્ષા કરતા જવાનોને થયો કોરોના
- જવાનોને પોસ્ટ ન છોડવા અધિકારીઓનો હુકમ
- આગળના આદેશ ન આવે ત્યા સુધી પોસ્ટ પર રહેવા હુકમ
જેમાંથી એક બીજાને ચેપ લાગ્યો અને 17મી જૂનના રોજ એક SRP જવાન કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટિમે કેવડિયામાં ધામા નાખ્યા છે. કેવડિયામાં કોરોનાને ફેલાતા અટકાવવા તંત્ર કામે લાગ્યું છે. જો કે, જિલ્લામાં આવેલ નર્મદા ડેમ અને સ્ટેચ્યુની સુરક્ષા જેમના માથે છે, એ સુરક્ષા જવાનોને માત્ર કોરન્ટાઈન કરવામાં આવે તો આ સ્થળની સુરક્ષા જોખમાય અને તેથી જ સુરક્ષાને પ્રાધાન્ય આપી જે જવાનો સંક્રમિત નથી. તેમને વિવિધ પોઇન્ટ પર મૂકી ઘરે નહિ જવા હુકમ કર્યો છે.
જેમને પરિવાર સાથે મળવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જોકે મોટાભાગના SRP જવાન આ નિર્ણયથી પણ ખુશ છે, કેમકે તેમના મતે ઉપરી અધિકારીનો આ નિર્ણય પરિવારની સલામતી માટે જ છે. હાલ એસઆરપી જવાન જ્યાં અને જે પોઇન્ટ પર ફરજ બજાવે છે. તેમને જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ મળે તે માટે કાળજી પુર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ખાવા તથા પીવાના પાણી અને તેમના આરામની વ્યવસ્થા પણ રાખવામાં આવી રહી છે.
સુરત ખાતે ફરજ બજાવવા ગયેલ જવાનોના કોરોના સંક્ર્મણ ને કારણે જ કેવડિયા કોરોના હોટસ્પોટ બન્યું છે. ત્યારે ETV BHARATએ સુરત ખાતે ફરજ પર ગયેલા એસઆરપી જવાન જોરાભાઈ સાથે વાત કરી તેમની મનોસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે તેમને એ વાતનું દુઃખ જરૂર હતું કે, પોતે પરિવારથી ચાર મહિનાથી દૂર છે. પણ એ વાતની ખુશી પણ છે કે આ કપરા કાળમાં ફરજ બજાવી પોતાના પરિવારને પણ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે.