સરદાર સરોવર નર્મદા બંધના બંને પાવર હાઉસમાં મેન્ટેનન્સ અને ઓપરેશનની કામગીરી સંભાળતા ફિટવેલ કંટ્રક્શનના 300 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતરી જતા પાવર હાઉસોમાં દરેક સીપમાં મુશ્કેલી વધી રહી છે. હડતાલને 11 દિવસ થયા હોવા છતાં પણ કંપની કોઈ નિર્ણય લેતી નથી. નર્મદા નિગમ અને GSECLના કર્મચારીઓ પર કામનું ભારણ વધતા ફિટવેલ કંપની પર પેનલ્ટી પણ લગામાં આવી રહી છે, તેમ છતાં દર વર્ષે એકનો એક કોન્ટ્રાકટ રીન્યુ કરતી ખાનગી એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે.
આ અંગે કર્મચારીઓ કંઈ કહેવા જતા તેમને કાઢી મૂકવાની ધમકી આપે છે, ત્યારે આ બાબતે કર્મચારીમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનો અહીં કામગીરી કરે છે, દર વર્ષે મોંઘવારીમાં વધુ રકમોનું ટેન્ડર જો ખાનગી કંપની કરે છે, તો પગાર ધોરણના પણ નિયમો રાખવા જોઈએ. સંસ્થાઓ આદિવાસી યુવાનોનું શોષણ કરે છે, જે નહિ ચાલે. અમે શોષણ નહીં થવા દઈએ. વધુમાં કહ્યું કે, આ અંગે મુખ્ય પ્રધાન અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરીશું. આમ કહી ખાનગી કોન્ટ્રાક્ટર સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો.