ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધાર્તો રેઝા સુર્યોદેપરોએ તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મૂલાકાત દરમિયાન સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમા નિહાળી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેની સાથોસાથ 45 માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમ તેમજ વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક-રમણીય સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ રસપૂર્વક નિહાળી હતી.
ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધાર્તો રેઝા સુર્યોદેપરોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખૂબજ પ્રભાવશાળી સ્મારક છે. હું અને મારૂ પ્રતિનિધિ મંડળએ નિહાળીને ખૂબજ પ્રભાવિત થયા છે. કેવડીયામાં ખૂબ મોટા પ્રોજેકટસ ચાલી રહયાં છે. અદભૂત ઇજનેરી વિકાસ જોવા મળે છે. આ વિકાસ યાત્રા સાથે જોડાયેલા સહુને અભિનંદન પાઠવું છું.
તેમણે સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. નર્મદા ડેમને લગતી તમામ પ્રકારની તકનીકી વિગતો ઉપરાંત ભુગર્ભ જળવિદ્યુત મથક તેમજ કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા કરાતાં વીજ ઉત્પાદન અને તેના વિતરણની કાર્યપધ્ધતિ તેમજ નર્મદા ડેમથી લાભાન્વીત રાજયો વચ્ચે પાણીના જથ્થાની વહેંચણી અંગેની પણ રસપૂર્વક જાણકારી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વૈભવ પાઠકે ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધાર્તો રેઝા સુર્યોદેપરોએ સ્મૃતિચિન્હરૂપે કોફી ટેબલ બુક એનાયત કરી હતી.
ઇન્ડોનેશીયાના એમ્બેસેડર સિધાર્તો રેઝા સુર્યોદેપરોની આ મુલાકાત દરમિયાન ઇન્ડેક્ષ-બીના એકઝીકયુટીવ આસિસ્ટન્ટશ્રી કૈલાશ હિરાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના શ્રી વૈભવ પાઠક, જિલ્લા ઉધોગ કેન્દ્રના શ્રી જયપ્રકાશ રાઠવા વગેરે ઉપસ્થિત રહયાં હતાં.