ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન છેલ્લા 21 વર્ષથી કેવડિયા ખાતે બિરાજમાન ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા આવતા હોય છે. શ્રાવણ માસનો પ્રારંભ થતો હોવાથી તેઓ ગુરૂવારના રોજ કેવડિયામાં આવ્યા છે. પરંતુ આ વર્ષે ભગવાન ભોળાનાથે એમની પરીક્ષા કરી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર રાજ્યમાં ગુજરાતમાં ભારે વરસાદના પગલે ભુપેન્દ્રસિંહ ચુડાસમા પોતે પણ એવા અટવાયા કે તેમને ગાંધીનગરથી કેવડિયા પહોંચતા 10 કલાકનો સમયગાળો લાગ્યો હતો. ભારે વરસાદમાં તેઓ આખી રાત ગાડીમાં રહીને કેવડિયા ખાતે ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવા આવ્યા હતા.
કેવડિયા પૂજા કર્યા બાદ મીડિયા સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, કુદરતના કહેર સામે તમામ લોકો લાચારી છે પોતે પણ લાચારી વ્યક્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વરસાદનું પાણી જો અમેરિકાના વ્હાઇટ હાઉસમાં ઘૂસી જતું હોય તો આપણે શું કરી શકીએ. તેમ કહીને આ વિઘ્ન કોઈ પણ નુકસાન વગર ટળે તેવી પ્રાર્થના કરી હતી.
આ સાથે જ રાજ્યમાં હાલ વરસાદથી જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે. જે માટે તમામ પ્રધાનો, કલેકટરો, DDO, સહિત તમામને ઍલર્ટ પર રાખી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન ઘડ્યો છે. તો સાથે જ જેમ બને તેમ ઓછું નુકસાન થાય અને તાત્કાલિક રાહત કામગીરી પહોંચે તેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.