સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ સાથે નાના બાળકો પણ આવતા હોય છે, જેમના માટે સ્પેશિયલ ચિલ્ડ્રન પાર્ક બનવવામાં આવ્યું છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશયન પાર્કએ એક અનોખો થીમ પાર્ક છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ બનાવડાવ્યો છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ ‘સહી પોષણ દેશ રોશન’ના થીમ હેઠળ બાળકોને તંદુરસ્ત આહાર અને ગુણવત્તાયુક્ત પોષણ અંગે મહત્વપૂર્ણ માહિતી આપવાનો છે અને તે સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા મનોરંજન સાથે મોટાપાયે ટેક્નોલોજીથી સમૃદ્ધ પ્રદર્શનો યોજવાનો છે.
આ અનોખો થીમ પાર્ક ભારતમાં આ પ્રકારનો પહેલો પાર્ક હશે અને તે માત્ર ભારતના જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના બાળકો અને માતા-પિતાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. ન્યુટ્રીહન્ટ બિલ્ડિંગમાં બાળકોને પ્રવૃત્ત રાખે અને તેમનું મનોરંજન કરે તેવી વિવિધ પ્રકારની જંગલ જિમ અને ટ્રેઝર હન્ટ એક્ટિવિટીઝ રાખવામાં આવી છે. આ પાર્કમાં આર્કેડ ગેમિંગ ઝોન, ફિડિંગ રૂમ અને ચાઇલ્ડ-કેર એરિયા પણ રાખવામાં આવ્યા છે. ગેમિંગ ઝોનમાં સાયકલિંગ ગેમ અને એક અનોખી ફૂટબોલ ગેમ છે. અન્ય આકર્ષણોમાં ફોટોગ્રાફ્ટ માટે સેલ્ફી પોઇન્ટ તેમજ ન્યુટ્રી કાફે પણ બનાવવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકમાં જ હોવાનો લાભ અને ટેક્લોનોજીના વિશાળ ઉપયોગના કારણે ચિલ્ડ્રન ન્યુટ્રિશયન પાર્ક દેશમાં થીમ બેઝ્ડ પાર્ક માટે એક ટ્રેન્ડ સેન્ટર બની રહેશે.