- આજથી ત્રણ દિવસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક મળશે
- પ્રધાનો અને તમામ પદાધિકારીઓ રેલવેમાં આવ્યા
- કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે
નર્મદા: ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આજથી ત્રણ દિવસ માટે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળવાની છે. આ બેઠકમાં પ્રધાનો અને તમામ પદાધિકારીઓને પોતાની કારમાં નહીં, બસ કે ટ્રેનમાં જ આવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જે પ્રમાણે તેઓ આજે બુધવારે કેવડિયા રેલવેમાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના કેવડિયાને ઇલેક્ટ્રિક વાહન યુક્ત સિટી બનાવવાના ધ્યેયને કારણે પ્રધાનો અને આગેવાનોને કાર નહીં લાવવા કહેવામાં આવ્યું છે. આ કારોબારીમાં પદાધિકારીઓ ઉપરાંત 600 જેટલા આગેવાનો ઉપસ્થિત રહેશે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળની બીજી પ્રદેશ કારોબારીની બેઠક કેવડિયામાં યોજાશે. જેમાં વિધાનસભાની ચૂંટણી અંગેનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે. આ માટે પાટીલની જમ્બો કારોબારીમાં ચર્ચા કરવામાં આવશે. આ બેઠકના વિવિધ એજન્ડાની સાથે કારોબારી સભ્યો માટે ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે.
આ પણ વાંચો: આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન
તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે
મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સીધા હેલિકોપ્ટરથી કેવડિયા પહોંચશે. તમામ પદાધિકારીઓ અને સભ્યો ત્યાં બસથી જ ફરશે અને ઇલેક્ટ્રીક વાહનોનો જ ઉપયોગ કરશે. જેથી કેવડિયામાં વાહનોના ટ્રાફિકની પરેશાની ન રહે અને પ્રદુષણ પણ ન ફેલાય. આ ઉપરાંત પ્રદેશ કારોબારીના અંતિમ દિવસ 3 સપ્ટેમ્બરે કારોબારીના સમાપન પહેલા રક્ષાપ્રધાન સહિતના કેન્દ્રીય પ્રધાનો, પ્રદેશ અધ્યક્ષ, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત તમામ સભ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.
750 મહત્વના કાર્યકરોને ટેબ્લેટ અપાશે
આ બેઠકમાં પાટીલના ડ્રીમ પ્રોજેક્ટ ગુજરાત ડિજિટલ કનેક્ટનું ગ્રાન્ડ લોન્ચિંગ થશે. સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં વિશેષ એપ્લિકેશનો અને પ્રોગ્રામ્સથી સજ્જ 750 મહત્વના કાર્યકરોને ટેબ્લેટ અપાશે. આ ટેબ્લેટમાં કેન્દ્ર તથા ગુજરાત સરકારની તમામ જનહિતની યોજના, કાર્યક્રમોની વિગતો, ફોર્મ વગેરે રહેશે. આ ઉપરાંત પાર્ટીના કાર્યક્રમો, વિઝન, જે તે કાર્યકરના પ્રવાસો, સંપર્ક અને ભાવિ કાર્યક્રમો પણ અપડેટ કરી શકાશે. કાર્યકર દ્વારા કોઇ રજૂઆત થઇ હોય તો તેની પ્રગતિ ક્યાં સુધી પહોંચી તેની જાણકારી તેને પ્રાપ્ત થાય એ દિશામાં કામગીરી શરૂ કરાઈ છે.