નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં સાતપૂડા પર્વતની ગિરિમાળાની મધ્યમાં ચોકીદાર દેવનું મંદિર આવેલુ છે. આ મંદિરમાં બિરાજમાન દેવને સ્થાનિકો અને બીજા રાજ્યના આદિવાસીઓ દેવદરવાણીયા કાળીયાભૂત મામાં ચોકીદાર દેવ કહે છે. અહીં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, અને ગુજરાત એમ ત્રણ રાજ્યમાંથી શ્રાદ્ધળુઓ આ ચોકીદાર દેવના મંદિરે દર્શન કરવા ખુબ મોટી સંખ્યામાં આવે છે. ત્રણેય રાજ્યના આદિવાસી શ્રદ્ધાળુઓ આ દેવને અલગ અલગ નામથી સંબોધે છે. મહારાષ્ટ્રના આદિવાસી આ દેવને દેવદરવાણિયા કહે છે, ત્યારે મધ્યપ્રદેશના આદિવાસી કળિયાભૂત મામા કહે છે અને ગુજરાતના આદિવાસીઓ ચોકીદાર તરીકે સંબોધે છે.
આ દેવનું નામ આદિવાસીઓ માટે ભલે અલગ અલગ હોય પરંતુ અહીં આવનારા દરેક શ્રાદ્ધળુઓની આસ્થા એકજ હોય છે. આ ચોકીદાર દાદાનું મંદિર ઘણા વર્ષોથી અહીં સ્થાપિત છે. મંદિર એટલા માટે બનાવવામાં આવ્યું હતું કે આ મંદિરથી થોડે દૂર દેવમોગરા ખાતે આદિવાસીઓની કુળદેવી પાંડોરી માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ પાંડુરી માતાનું મંદિર પ્રાચીન સમયથી સ્થાપિત છે. પાંડુરી માતા આદિવાસીઓની કુળદેવી છે, અહીં દર શિવરાત્રીએ પાંચ દિવસનો મેળો પણ ભરાય છે તથા અહીં રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. આદિવાસીઓ પાંડુરી માતાના દર્શન તથા પૂજા અર્ચના કરી પછી જ દરેક શુભકામની અને ખેતીની શરૂઆત કરે છે. કહેવાય છે કે આખું વર્ષ સારું જાય છે ખેતીમાં સારો પાક ઉતરે છે અને ત્યાં દેવમોગરા પાંડુરી માતાના મંદિરે જતા પહેલા દેવદરવાણીયા કાળીયાભૂત મામાં ચોકીદાર દેવનું મંદિર રસ્તામાં આવે છે.
આદિવાસીઓમાં માન્યતા છે કે કુળદેવીની પૂજા અર્ચના કરવી હોય તો તે પહેલા ચોકીદાર દેવને પ્રસન્ન કરવા પડે છે. તેમના મંદિરમાં પૂજા કરીને જ પાંડુરી માતાના મંદિરે જવાય છે. આદિવાસીઓમાં એવી માન્યતા છે કે ચોકીદાર દેવની પૂજા કારવાથી જ પાંડુરી માતાના મંદિરે દેવમોગરા જવાનો રસ્તો એમના માટે ખુલી જાય છે. કોઈ ચોકીદાર દેવની પૂજા કર્યા વગર પાંડુરી માતાના મંદિરે જાય તો તેમની પૂજા સંપન્ન થતી નથી. તે માટે જ આ ચોકીદાર દેવને આદિવાસીઓ રક્ષક માને છે. રક્ષક એટલા માટે મનાય છે કે મંદિરે જતા પહેલા લોકો આ ચોકીદાર દેવ રક્ષકની પૂજા અર્ચના ખાસ કરે છે અને તે વર્ષો જૂની પરંપરા પણ છે જેના કારણે અહીંયા ગુજરાત જ નહીં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રથી આવનારા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચોકીદાર દેવની પૂજા-અર્ચના કરે છે અને ચોકીદાર દેવને નમન કરી તેમની મંજૂરી મેળવ્યા બાદ જ તેઓ દેવમોગરા માતાના દર્શન કરવા માટે જાય છે.
અહીં આવતા શ્રદ્ધાળુઓ પણ કહે છે કે ચોકીદાર દેવના મંદિરનું દર્શન કરવું ખૂબ જ આવશ્યક છે. કારણ કે ચોકીદાર દેવના દર્શન કરી કુળદેવીના મંદિરે જવાની મંજૂરી લેવી પડે પછી જ આગળ જવાય છે. દેવદરવાણિયા ચોકીદાર મંદિરે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં એક અલગ જ રંગ જોવા મળતો હોય છે. માનવી તો ચોકીદાર છે જ પરંતુ ભગવાન પણ ચોકીદાર તરીકે પૂજાય છે. ત્યારે હાલની લોકસભાની ચૂંટણીમાં ચોકીદાર નામ વપરાતા આદિવાસીઓની લાગણીઓ પણ દુભાઈ રહી છે.
ખાસ કરીને સોશિયલ મિડિયા પર વડાપ્રધાન મોદીએ પ્રોફાઈલમાં ચોકીદાર શબ્દ ઉમેર્યો છે ત્યારથી જ ચોકીદાર શબ્દ વધુ પ્રચલિત થયો છે પરંતુ અહીંના આદિવાસીઓ માટે તો આ શબ્દ પહેલેથી જ પ્રચલિત છે અને આ ચોકીદાર તેમનું રક્ષણ પણ કરતો હોવાનું માને છે.
નર્મદાથી અમીત પટેલનો ખાસ અહેવાલ