મોરબીના લાયન્સનગર વિસ્તારના રહેવાસી અને સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીની આગેવાનીમાં આજે સ્થાનિકોનું ટોળું પાલિકા કચેરી પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને રજૂઆત કરી જણાવ્યું છે કે, શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગરમાં પાણીનો પ્રશ્ન ઘણો જુનો છે. પણ છેલ્લા એક માસથી બિલકુલ પાણી આવતું નથી. વોટર સપ્લાય કર્મચારી તેમજ વાલ્વમેનને અનેક વખત ફોન કરવા છતાં પાણી આવ્યું નથી.
આ પહેલા પણ પાલિકા કચેરીએ રજૂઆત કરી હતી જોકે, માત્ર આશ્વાસન આપીને રવાના કરી દેવાય છે અને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી, આ વિસ્તારમાં પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવા માગ કરી છે. પાણી ઉપરાંત સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, રોડ, જેવી સુવિધાઓ આપવા માગ કરવામાં આવી છે.
લાયન્સનગરના રહીશોના ટોળાની રજૂઆત સાંભળી ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું કે, 'આ વિસ્તાર પાલીકાની હદમાં જ નથી આવતો. પરંતુ આ વિસ્તારમાં પાણી મળે તેના માટે પાણી પુરવઠાને પત્ર લખી અને મોટી પાઈપલાઈન નાખી તેવી રજૂઆત કરીશું'