મોરબીઃ વાંકાનેર નજીકની સિરામિક ફેક્ટરીનો માલ ઓળવી જઈને ઠગાઈ કરવામાં આવી હોવાથી પોલીસ આ મામલે તપાસ ચલાવી રહી હતી. પોલીસને માહિતી મળતા પોલીસે રાજસ્થાન પહોંચીને તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર હાઈવે પરની હિલસ્ટોન સિરામિક તથા ક્રિપટોન ગ્રેનાઈટો પ્રા.લિ.ના કારખાનામાંથી રૂ. 11,65,712ની કિંમતની ટાઈલ્સ આરોપીની માલિકીના કલકલા લખનઉં રોડલાઈન્સ ટીંબડી પાટિયા મોરબીવાળાએ ટ્રક RJ 06 GD 0772 અને RJ 08 GA 2078માં ભરી મોકલી હતી. જે માલ ગિરિજા ટાઈલ્સ એન્ડ સેનેટરી ગાજીપુર યુપીવાળાને પહોંચાડવા રવાના કરી હતી. જોકે આરોપીઓએ ટાઈલ્સનો મુદ્દામાલ ઓળવી જઈને વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ મામલે મોરબીના રહેવાસી મહેન્દ્રભાઈ હિરજીભાઈ મુંદડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે જિલ્લા એસપી એસ. આર. ઓડેદરા અને DySP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર.પી. જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં ટ્રક RJ 06 GD 0772નો ચાલક નૂતનપ્રકાશ ગુર્જર સિરામિક વિસ્તારમાં હોવાથી તેની પૂછપરછ કરતા આરોપી રામસિંગ જાટના કહેવાથી તેણે આ કામ કર્યાનું જણાવ્યું હતું. તેણે રાજસ્થાનના અજમેર જિલ્લાના કિશનગઢ ગામે નીશારાબાદ બાયપાસ હાઈવે પર આવેલી હરિયાણી હોટેલ બાજુના શોપિંગની પ્રથમ દુકાનમાં અને બીજી ટ્રક રાજ્ચીડિયા નામની હોટલની હોટલ બાજુમાં આવેલા શોપિંગમાં ટાઈલ્સ ખાલી કરી હોવાનું જણાવ્યું હતું. આથી વાંકાનેર તાલુકા પોલીસે રાજસ્થાનમાં તપાસ ચલાવી હતી અને ઓળવી ગયેલી ટાઈલ્સ હોવાનું ફલિત થતા કુલ રૂ. 11,65,712ની ટાઈલ્સ કબજે કરી 100 ટકા મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.