રાજકોટથી મોહનકુંડારિયાને ભાજપે રીપીટ કરતા રાજકોટમાં આંતરિક અસંતોષ જોવા મળ્યોહતો. આ પહેલા ભાજપે સુરેન્દ્રનગરથી દેવજી ફતેપરાને રીપીટ ન કરતા પક્ષમાં બળવાની સ્થિતિ છે, ત્યારે હવે રાજકોટથી મોહનકુંડારિયાને ટીકીટ અપાતા વાંકાનેરમાં ભાજપના અગ્રણી નેતા જીતુ સોમાણીએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી અને કાર્યકરોનું વિશાળ સ્નેહમિલન યોજ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોની વચ્ચે જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા પર સીધા આક્ષેપો કર્યા હતા.
સ્નેહમિલનને સંબોધતા જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારિયા પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં તેમને હરાવનાર અન્ય કોઈ નહિ પરંતુ મોહનભાઈ જ હતા. વાંકાનેરના તમામ સમાજ અને મતદારો ઇચ્છતા હતા, કે જીતુભાઈ ધારાસભ્ય બને, પરંતુ તે સ્વપ્નને મોહન કુંડારિયાએ ચકનાચૂર કરી નાખ્યું હતું.
આ ઉપરાંત, જીતુ સોમાણીએ ભાજપના નેતા હિરેનપારેખ માટે 'કુરકુરીયુ' શબ્દનો પ્રયોગ કરી વિવાદાસ્પદ ટીપ્પણી કરી હતી. વાંકાનેરના જીતુ સોમાણી લોકસભામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષને નુકસાન કરી શકે છે તેવું પણ સુત્રો જણાવી રહ્યા છે.
આમ, ભાજપમાં બળવાની સ્થિતિ જોવા મળી રહી છે અને પક્ષનો આંતરિક ખટરાગ પક્ષને વ્યાપક નુકસાન કરે તે પૂર્વે વિવાદ શમી જાય છે કે પછી ભાજપને નુકસાની સહન કરવી પડે છે, તે તો ચુંટણીના પરિણામો જ કહેશે.