મોરબીઃ જિલ્લા આરોગ્ય પરિવારના ખંતીલા કર્મનિષ્ઠ એવા જગદીશભાઈ કૈલા રાષ્ટ્રસેવા કરતા કોરોના સામે યુદ્ધમાં પોતાનું યોગદાન આપી રહ્યા હતા. જેની ઓચિંતી વિદાયથી સમગ્ર જિલ્લાના આરોગ્ય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે મોરબી સીટી A ડિવિઝન PI, પોલીસ કર્મચારીઓ અને માળિયા પોલીસના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
મોરબી જિલ્લાના આરોગ્ય વિભાગમાં કાર્યરત જગદીશભાઈ કૈલા હાલ લાલપર ખાતે ફરજ બજાવતા હતા. સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમો લોકો સુધી પહોંચાડનારા અને હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના સામે યુદ્ધ લડતા જગદીશભાઈએ ઓચિંતી વિદાય લીધી છે, ત્યારે મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓમાં શોકની લાગણી ફેલાઇ છે.
મોરબી સીટી A ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા PI બી જી સરવૈયા ઉપરાંત પોલીસ મથકમાં કાર્યરત હમીરભાઈ ગોહિલ, B ડિવિઝન પોલીસના કીર્તિરાજસિંહ જાડેજા અને હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા વિનેશભાઈ ખરાડી ઉપરાંત માળિયા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. A ડિવિઝન PI કોરોના સંક્રમિત થતા હાલ સારવાર હેઠળ છે. જેથી એ ડિવિઝનનો ચાર્જ SOG પીઆઈ જે એમ આલને સોપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.