મોરબીઃ મોરબીની કંસારા શેરીમાં રહેતાં દીપેનભાઈ અનંતરાય કરથીયા પાસેથી સુનીતા ઓમપ્રકાશ વાઘમરે અને ઓમપ્રકાશ રાજીવરામ વાઘમરેએ યુવતી સાથે લગ્ન કરાવવાનું કહીને અલગ અલગ સમયે 2.64 લાખની રકમ પડાવી હતી. બાદમાં મહારાષ્ટ્રની યુવતી અનીતા બાબુલાલ ચૌહાણ સાથે લગ્ન કરાવ્યાં હતાં. જોકે યુવતી છ માસ રહી હતી અને બાદમાં પોતાના વતન નાગપુર જતી રહી હતી. તેને તેડવા જતાં યુવતીએ આવવાની ના કહી દીધી હતી.
યુવતી પાસે 62,800ની કિમતના દાગીના અને રોકડા 2.64 લાખ લગ્ન માટે આપ્યાં હોઇ 3.26 લાખની છેતરપિંડી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી. કેસની તપાસ ચલાવતાં એ ડિવિઝન પીએસઆઈ વી.આર શુક્લની ટીમે મહારાષ્ટ્ર સુધી તપાસ ચલાવી હતી અને ટીમે નાગપુર પહોંચીને છેતરપિંડી કરનાર ઈસમો ઓમપ્રકાશ વાઘમરે, સુનીતા વાઘમરે અને અનીતા ચૌહાણની ધરપકડ કરી મોરબી લાવવામાં આવ્યાં હતાં અને આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.