મોરબીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં પાન-માવાના વેચાણ પ્રતિબંધિત હોવા છતાં ગેરકાયદેસર રીતે ચોરી છુપે વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળતા મોરબી પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લીધા છે.
જિલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબીમાં પાનમાવા વેચાણ પર અંકુશ લગાવવા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, પીએસઆઈ બી ડી પરમારની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન સોશિયલ મીડિયાના માધ્યમથી રવાપર રોડ પર બે ઈસમો પાન માવાનું ખરીદ વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી.
જે બાદ પોલીસે ખરાઈ કરતા રવાપર રોડ પર આવેલી ભારત પાન નામની દુકાનમાંથી આરોપી દીપક શાંતિલાલ ભોજવાણી અને હિતેશ નરશી ગોલતરને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે મોરબીના મહેન્દ્રપરા શેરી નં 02માં રહેતો અનીલ વસરામ ભદ્રા પોતાના મકાનમાં તમાકુ અને સિગરેટનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા. જે દરોડામાં આરોપીના મકાનમાં પાન-મસાલા, ગુટકા, તમાકુ, સિગારેટનો જથ્થો મળી આવતા પોલીસે કુલ 82,770નો મુદામાલ જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.