ભાવનગર: ગુજરાતમાં આમ તો વડોદરા શહેર ફૂલોની ચાહનાવાળું શહેર કહેવાય છે, ત્યારે ભાવનગર પણ પાછળ નથી. ભાવનગર શહેરમાં નર્સરીમાં શિયાળામાં આવતા વિદેશી અને દેશી ફૂલો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રકૃતિને ચાહનારા અને ઘરમાં ગાર્ડન માટે થોડી પણ જગ્યા રાખનારાઓ ફૂલોને ઘરમાં ઉગાડીને સુંદરતા લાવવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કેવા ફૂલો આવ્યા અને માંગ શુ.
શિયાળામાં કેવા પ્રકારના ફૂલો આવે ?
ભાવનગરમાં નર્સરી ધરાવતા હિમાંશુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી અમારા દાદાના સમયથી આ નર્સરી ચલાવીએ છીએ અને દરેક સીઝન પ્રમાણે ઘણા બધા અલગ-અલગ ફૂલો આવતા હોય છે, જેમ કે અત્યારે શિયાળો છે તો સીઝનલ ફ્લાવર્સ સહિત અલગ-અલગ જાતના ફુલો આવી રહ્યાં છે.
ફુલછોડના ભાવ અને માંગ
હિમાંશુભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે, જે ફુલોના શોખીન છે એ તો ખરીદવા આવવાના જ છે, પરંતુ જે લોકોએ નવું ઘર બનાવડાવ્યું છે, અથવા તો ઘરની સુંદરતા વધારવા માટે ગાર્ડન બનાવે છે અને ફુલો પ્રત્યે જે લોકોને લગાવ છે તેવા લોકો વધારે ખરીદવા આવે છે. બધા છોડમાં 30 થી 40 રૂપિયાની શરૂઆત થતી હોય છે, જેવા છોડ તેવી માંગ રહે છે. દેશી ગુલાબ સુગંધી આવે છે એમ ઈંગ્લીશ રોઝ આવે છે કે ડાંડલી વાળું અને મોટું ફુલ આવે એ બધી જાત ગ્રાહકો લેવાનું પસંદ કરે છે.
લોકોમાં ફુલોની ચાહના
ભાવનગર શહેરના હિરેનભાઈ દવ નામના એક પ્રકૃતિપ્રેમીએ જણાવ્યું હતું કે, અત્યારે હાલમાં શિયાળામાં અનેક પ્રકારના રંગબેરંગી ફૂલો આવ્યા છે. ખાસ કરીને પીતુનીયા સાઉથ અમેરિકાના પુષ્પો છે. ડાઈન્થસ છે સાઉથ યુરોપના અને એશિયાના પણ અનેક પ્રકારના ફૂલો આવ્યા છે. જેમ કે વિનકા, અમેરિકાના રોઝ છે, બ્લેક રોઝ છે. વિવિધ પ્રકારના ગુલાબો છે અનેક વસ્તુઓ અત્યારે નર્સરીમાં જોવા મળે છે. વડોદરા પછી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ભાવનગર એવું શહેર છે જે પુષ્પોમાં ફૂલોમાં ખૂબ માને છે લોકોને ખૂબ ચાહના છે ગાર્ડન બાબતે.