મોરબીઃ મોરબી અને માળીયામાં મીઠા ઉદ્યોગ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને વાર્ષિક 30થી 35 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. જો કે, ગત વર્ષે મોડો વરસાદ અને હાલ કોરોના મહામારીથી મીઠાની અછત સર્જાશે તેમજ શું મીઠાનું ઉત્પાદન ઘટી ગયું છે, સહિતના સવાલો અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચર એસોના પ્રમુખ અને ઇન્ડિયન સોલ્ટ એસોના સભ્ય જણાવે છે કે, મીઠાની અછત ઉભી થવાનો કોઈ પ્રશ્ન નથી. હાલ મીઠા ઉદ્યોગ ચાલુ છે કોરોના મહામારીની વિશ્વમાં અસરથી એક્સપોર્ટમાં ચોક્કસ કાપ આવ્યો છે. તેમજ મીઠાના ઉત્પાદનમાં પણ થોડો ઘટાડો જોવા મળશે. પરંતુ એક્સપોર્ટ ઘટી જતા ભારત દેશમાં મીઠાની કોઈ શોર્ટેજ નહિ થાય. ભારત દેશની જરૂરીયાતના પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થઇ રહ્યું છે.
મીઠા ઉદ્યોગમાં ઉત્પાદનની સમસ્યા કે અન્ય તકલીફ અંગે મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ જણાવે છે કે, તેની નવલખી ખાતે ફેક્ટરી કાર્યરત છે. જેમાં વાર્ષિક 60થી 70 હજાર ટન મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીઠાની શોર્ટેજ થાય તેવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. તેમજ મીઠા ઉદ્યોગમાં મોટાભાગે સ્થાનિક શ્રમિકો જ કામ કરતા હોવાથી શ્રમિકોની તંગી જેવા પ્રશ્નો પણ સર્જાયા નથી.
મીઠા ઉદ્યોગના શ્રમિક જણાવે છે કે, કોરોનાને પગલે લોકોના કામધંધા છિનવાઈ ગયા છે. જો કે તેમને મીઠા ઉદ્યોગમાં રોજગારી મળી રહી છે અને અહીં રહેવા તેમજ જમવાની વ્યવસ્થા થઇ જતી હોવાથી તેઓ કામ કરી રહ્યા છે અને કોઈ સમસ્યા નડતી નથી.
આમ મોરબી અને માળીયાના મીઠા ઉદ્યોગમાં કોરોનાના નિયમોના પાલનને પગલે કામ કરનાર કામદારોની કાર્યક્ષમતામાં ઘટાડો જોવા મળે છે. સોશ્યિલ ડિસ્ટન્સ સહિતના નિયમો પાલન કરવામાં આવી રહ્યાં છે. ઉત્પાદનમાં થોડો ઘટાડો આવે તેમ લાગી રહ્યું છે. જો કે, સામે એક્સપોર્ટ ઘટાડો થશે જેથી દેશમાં મીઠાની માંગ જળવાઈ રહેશે તેવી ખાતરી પણ મીઠા ઉદ્યોગના અગ્રણીઓ આપી રહયાં છે.