મોરબીઃ શહેર અને ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા ગ્રામજનો જાતે જ લોકડાઉનનો નિર્ણય કરી રહ્યા છે, જેમાં મોરબીના ડાયમંડ નગરમાં સપ્તાહ સુધી આંશિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.
ડાયમંડ નગર ગ્રામ પંચાયતના સરપંચ હીના કાસુન્દ્રાએ ગ્રામજનોને જાહેર નોટીસ મારફતે જણાવ્યું છે કે, તારીખ 17 થી 23 સપ્ટેમ્બર સુધી ગ્રામ પંચાયત તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પાનની દુકાન સવારે 7 થી 9 સુધી અને બપોરે 12 થી 2 સુધી ખુલ્લી રાખવાની રહેશે, તેમજ અનાજ કરીયાણાની દુકાનો સવારે 7 થી 10 અને બપોરે 4 થી 6 સુધી ખુલ્લી રાખવાની રહેશે. વધુમાં ગામ અંદર ચાર વ્યક્તિને એકત્ર થવું નહી તેમજ સાથે બેસવું નહી તેમ પણ જણાવ્યું છે. ડાયમંડ નગરમાં કોરોનાના અત્યાર સુધીમાં 15 કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાંથી 10 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, દરેક ગામડાઓમાં લોકડાઉન લગાવવામાં આવે તો કોરોનાને મ્હાત આપી શકાય છે.